![]()
બહુમાળી ભવનથી કલેકટર કચેરી સુધી રેલી બાદ આવેદન : શિક્ષકો અને સરકારી કર્મચારીઓ દ્વારા દેખાવો – સુત્રોચ્ચાર કરાયા દેશભરના જૂદા જૂદા જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન યોજાયા
રાજકોટ, : જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આજરોજ દેશના જૂદા જૂદા રાજયોના જિલ્લા મથકોએ રેલી સાથે વિરોધ પ્રદર્શનનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે રાજકોટમાં આજે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના વડપણ હેઠળ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ કલેકટર કચેરીએ આવેદન પત્ર આપી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી દોહરાવવામાં આવી હતી.
રાજકોટમાં નગર પ્રાતમિક શિક્ષણ સમિતિ સાથે જોડાયેલા શિક્ષકો અને સરકારી કચેરીના કર્મચારીઓ દ્વારા આજ રોજ અહીના બહુમાળી ભવનથી જિલ્લા કલેકટર કચેરી સુધી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે દેખાવો સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. રેલીમાં જોડાયેલા કર્મચારીઓએ છત્રીમાં જૂની પેન્શન યોજના લાગુ કરોના લખાણો દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સમગ્ર દેશમાં તા.1.4.2025 થી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. પરંતુ કેન્દ્રના કર્મચારીઓ માટે યુપીએસ યોજના લાગુ કરવામાં આવી છે. આ સંજોગોમાં અગાઉ અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં આજ સુધી જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. શિક્ષકો ઉપરાંત અન્ય સરકારી કચેરીના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં રોષરેલીમાં જોડાયા હતાં. તેમજ આવેદનપત્ર આપી જૂની પેન્શન યોજના લાગુ કરવાની લાગણી દોહરાવી હતી.










