![]()
ક્રાઇમ બ્રાંચના અધિકારીઓની 126 આરોપીઓને ચેતવણી : રેસકોર્સનાં લોકમેળાની આસપાસ પણ નહીં ફરકવા સુચના, રાજકોટમાં એમસીઆર કાર્ડ ધરાવતા 18,000થી વધુ આરોપી
રાજકોટ, : જન્માષ્ટમીના તહેવારોને અનુલક્ષીને રાજકોટની ક્રાઇમ બ્રાંચની કચેરીએ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા 126 આરોપીઓની પરેડ કરાવવામાં આવી હતી. જેમાં તેમને ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું કે, જો તમે લોકોના તહેવાર બગાડશો તો અમે તમારા તહેવાર બગાડશું.
મિલકત વિરૂધ્ધના અને છેતરપિંડીના ગુનામાં પકડાતા આરોપીઓના પોલીસ એમસીઆર કાર્ડ બનાવે છે. રાજકોટમાં એમસીઆર કાર્ડ ધરાવતા 18,000 આરોપીઓ છે. જેમાંથી હાલ સૌથી વધુ સક્રિય ૧૨૬ આરોપીઓની ક્રાઇમ બ્રાંચની કચેરીમાં પરેડ કરાવવામાં આવી હતી.
જેમાં ક્રાઇમ બ્રાંચના એસીપી ભરત બસિયાએ આ તમામ આરોપીઓને લોકમેળાની આસપાસ પણ નહીં ફરકવા તાકીદ કરી હતી. તહેવારોમાં મિલકત વિરૂધ્ધના ગુના જેવા કે ઘરફોડ ચોરી, વાહન ચોરી, પિક પોકેટીંગ, મોબાઇલ ચોરી, ચિલઝડપ, લૂંટમાં વધારો થાય છે. જેને ધ્યાને લઇ આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ તહેવારોમાં ગુનાઓ ન આચરે તે માટે તેમની પરેડ કરાવવામાં આવી હતી.
જેમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સાથે દરેક પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પણ હાજર રહ્યા હતા. જે આરોપીઓની પરેડ કરાવવામાં આવી હતી, તેમની હિલચાલ ઉપર નજર રાખવા માટે મેન્ટોર રાખવામાં આવ્યા છે. જે પોલીસના માણસો જ હોય છે. આ મેન્ટોર પણ હંમેશા માટે આ આરોપીઓની દરેક હિલચાલ ઉપર નજર રાખતા હોય છે. તહેવારોમાં આ મેન્ટોરને વધુ સક્રિય રહેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સૂચના આપી છે.










