![]()
– સાબરમતી નદીમાં 20 હજાર ક્યૂસેક પાણી છોડાયું
– વીજ પુરવઠો પૂર્વવત્ ન થતા હાડમારી બેવડી થઈ : આરોગ્ય વિભાગે એમ્બ્યૂલન્સમાં ઓપીડી શરૂ કરી : ગામોમાં ટ્રેક્ટરથી જ પહોંચવું શક્ય
તારાપુર : તારાપુર તાલુકાના ૭ જેટલા ગામોમાં હવે પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે. ત્યારે હજુ ચીતરવાડા ગામમાં કેડસમા પાણી ભરાયેલા છે. તારાપુર તાલુકાના નદી કાંઠાના ૭ જેટલા ગામોમાં બે દિવસથી વીજ પુરવઠો નહીં હોવાથી લોકો હાડમારી ભોગવવા મજબૂર બન્યા છે.
સાબરમતી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે ગતરોજ તારાપુર તાલુકાના નદી કિનારા પર આવેલા નભોઈ, રિંઝા, ફતેપુરા, કલોદરા, ખડા, પચેગામ સહિતના ગામોમાં નદીનાં પાણી ઘૂસ્યા હતા. જે આજે સવારે ૯ વાગ્યાથી ઓસરવાના શરૂ થયા છે. તારાપુર મામલતદાર સહિત તાલુકા વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં આજે સવારથી ટ્રેક્ટર મારફતે પહોંચી લોકો ની હાલાકી દૂર કરવા કામે લાગી ગયા હતા.સોમવારના રોજ અગિયાર વાગ્યે વાસણા બેરેજમાંથી ૫૬ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતું હતું. જેમાં ઘટાડો થતા આજે ૨૦ હજાર ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીમાં છોડતા પાણીમાં ઘટાડો થતા આજે નદી કિનારાના ગામોમાં ભરાયેલા પાણી એક ફુટ જેટલા ઉતાર્યા હતા.
તારાપુર તાલુકાના ચીતરવાડા ગામને જોડતા માર્ગો પર નદીના પાણી ફરી વળ્યા હતા. ગામના ટાંકી ફળિયું, વણકર વાસ, ભરવાડ વાસમાંમાં છાતી સમા પાણી ભરાયા હતા. ગામમાં પાંચેક ફૂટ જેટલા પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાથી એક માત્ર ટ્રેક્ટરથીજ ગામમાં પહોંચી શકાતું હોવાથી વહીવટી તંત્ર આજે ટ્રેક્ટર દ્વારા ચીતરવાડા ગામે પહોંચ્યું હતું.
સાબરમતી નદીમાંથી પાણી છોડતા તારાપુર તાલુકાના નદી કિનારાના ગામોમાં નદીના પાણી ભરાયા હતા. છેલ્લા બે દિવસથી ગામોમાં વીજળી પ્રવાહ બંધ થયો હતો. જે હજુ પણ પૂર્વવત ન થતાં લોકોની હાડમારી બેવડાઈ છે.
પાણી પૂરા ઓસર્યા બાદ સફાઈ અને પાણીનો છંટકાવ કરાશે
આરોગ્ય વિભાગ દ્વારા નભોઈ, રીંઝા, ચીતરવાડા, ખડા, ગલીયાણા, ફતેપુરા સહિતના ગામોમા ટ્રેક્ટરથી પહોંચી ગામલોકોના સ્વાસ્થની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઓ પી ડી, ક્લોરિન ટેબ્લેટ, ઓઆરએસ વિતરણ, પોરા નાશક કામગીરી શરૂ કરાઈ હતી. પાણી પૂરેપૂરા ઓસર્યા બાદ સફાઈ કરી, સર્વે કરી પાવડર છંટકાવ કરવામાં આવશે.
તારાપુર તાલુકાના ૭ જેટલા ગામોમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાનો ભય
તારાપુર તાલુકાના સાબરમતી નદી કિનારાના નભોઈ, રિંઝા, ફતેપુરા, કલોદરા, ખડા, પચેગામ , દુઘારી સહિતના ગામો અને સીમ વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા હજારો વિઘા જમીનમાં રોપેલ ડાંગરનો પાક નિષ્ફળ જવાનો ભય ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.










