![]()
– મિશન રોડ પર રામતલાવડી વિસ્તારમાં મનપાની કાર્યવાહી
– દબાણ દૂર કરવા મુદ્દે અમદાવાદના મકાન માલિકે નોટિસનો 15 દિવસ સુધી કોઈ જવાબ ના આપતા ટીમ ત્રાટકી
નડિયાદ : નડિયાદ શહેરમાં ધર્માંતરણની પ્રવૃત્તિના મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. નડિયાદ મિશન રોડ ખાતે સ્ટીવન પરમાર (મેકવાન) દ્વારા ધર્માંતરણ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. આ પ્રવૃત્તિ જે જગ્યા પર ચાલતી હતી તે રામતલાવડી ખાતેના મકાન પર નડિયાદ મનપાએ બુલડોઝર ફેરવી આજે ગેરકાયદે દબાણનો સફાયો કરી દીધો હતો.
નડિયાદ શહેરમાં ધર્માંતરણની ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી, ત્યાં નડિયાદ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી આજે હાથ ધરાઈ હતી. મિશન રોડ ઉપરની જગ્યા પર ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી હતી. આશરે ૧૫ દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાના મકાન માલિકને દબાણ દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, અમદાવાદ ખાતે રહેતા મકાન માલિક દ્વારા કોર્પોરેશનને નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. આખરે, આજે કોર્પોરેશન દ્વારા નિયમાનુસાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી અને ગેરકાયદે દબાણ દૂર કરી દેવાયું હતું. મિશન રોડ પરના મકાનમાં ધર્માંતરણની આખી કામગીરી સ્ટીવન મેકવાન નામનો ઈસમ ચલાવતો હતો. પોલીસે સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર સ્ટીવન મેકવાન અને અન્ય એક ઈસમની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે.
ગેરકાયદે દબાણની ફરિયાદ હોવાથી દૂર કરાયું છે : ડેપ્યુટી કમિશનર
આ અંગે નડિયાદ મનપાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા શહેરની ફૂટપાથ, શાકમાર્કેટ અને જાહેર જગ્યાઓ પરના ગેરકાયદે દબાણોને દૂર કરવાની નિયમિત કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે જે જગ્યાએ ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી તેમાં ગેરકાયદે દબાણની ફરિયાદ હતી. જેને ધ્યાનમાં લઈને રામતલાવડી વિસ્તારમાં આવેલું આ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું છે.










