![]()
અમદાવાદ,બુધવાર,19
નવેમ્બર,2025
અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાની વચ્ચે શહેરીજનોને
તેમના વાહન પાર્ક કરવા પડતી મુશ્કેલીને મુદ્દે બુધવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી
પાનીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સીધી ટકોર કરતા કહયુ, પાર્કિંગને લઈ
સામાન્ય લોકોને કયાં અને શું તકલીફ પડે છે તે જાણવા એ.સી.ગાડી છોડી શહેરના વિવિધ
રોડ ઉપર સામાન્ય નાગરિકની જેમ ફરો તો સાચી પરિસ્થિતિનો તમને ખ્યાલ આવશે.શહેરમાં
આવેલા પાર્કિંગ અંગે કોર્પોરેશન પાસે સોફટવેર છે.લોકો પાસે નથી તેવો જવાબ ડેપ્યુટી
કમિશનર તરફથી મળતા કમિશનર અકળાયા હતા.તેમણે કહયુ,તમામ લોકો માટે એવુ સોફટવેર બનાવો કે કયા વિસ્તારમા કયાં
પાર્કિંગ આવેલુ છે.તેમાં કેટલા સ્લોટ ખાલી છે.તથા તેમા વાહન પાર્ક કરવાના શું દર
છે.
મ્યુનિસિપલ કમિશનરની બેઠકમાં અર્બન ડેવલપમેન્ટના ડેટા
ડેપ્યુટી કમિશનર રજુ કરી શકયા નહતા.તેમણે ૨૦ ટકા કામગીરી પુરી થઈ હોવાનો જવાબ આપતા કમિશનરે કહયુ, તમે ૨૦ ટકા જ
સેલેરી લો છો. સેલેરી પુરી લો છો તો કામગીરી પણ ૧૦૦ ટકા કરો. પૂર્વ અને દક્ષિણ
ઝોનના વિવિધ વોર્ડમાં રોગચાળાના વધતા કેસને લઈ કમિશનરે કહયુ, આ બંને ઝોનના
ડેપ્યુટી હેલ્થ ઓફિસર નિંદ્રાધીન સ્થિતિમાં છે કે શું.અમદાવાદમાં નવા ફાયર સ્ટેશન
બનાવવા મુદ્દે કમિશનરે ડેપ્યુટી કમિશનર ફાયર વિભાગને પુછતા તેમણે કહયુ, પાંચ પ્લોટના
પઝેશન મળતા નથી.કમિશનરે કહયુ,
એસ્ટેટ વિભાગની મદદ લઈ દબાણો દુર કરવાથી લઈ જે કાર્યવાહી કરવી પડે તે કરો પણ
નવા ફાયર સ્ટેશન બનાવવાનુ શરુ કરો.ઉત્તર ઝોનના કેટલાક વોર્ડમાં ડ્રેનેજ બેક
મારવાની વધતી ફરિયાદોને લઈ ઝોનના ડેપ્યુટી કમિશનરને કહયુ, સ્થળ ઉપર જઈ
લોકોને સમજાવો કે, કોર્પોરેશનની
ડ્રેનેજ લાઈનમાં ગોદડા,રુ જેવો
કચરો ના નાંખે.
હોસ્પિટલો પાસે બી.યુ.કે ફાયર એન.ઓ.સી.ના હોય તો સીલ કરો,મ્યુનિ.કમિશનર
અમદાવાદમાં કેટલી હોસ્પિટલો પાસે બિલ્ડિંગ યુઝ પરમીશન નથી
તેવો કમિશનરે એસ્ટેટ ઓફિસરને સવાલ પુછતા તેમણે કહયુ, વર્ષો જુના બિલ્ડિંગમાં ચાલતી ૨૦ કે તેથી વધુ બેડ ધરાવતી
હોસ્પિટલો પાસે બી.યુ.પરમીશન નથી. કમિશનરે ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુકત
કામગીરી કરી જે હોસ્પિટલો પાસે બી.યુ.પરમીશન કે ફાયર એન.ઓ.સી.ના હોય તેને સીલ
કરવાની સુચના બેઠકમા આપી હતી.










