![]()
વડોદરા, તા.14 વાસણારોડ પર રહેતી મહિલાએ પુત્રની સ્કૂલ ફી માટે વ્યાજે રૃપિયા લીધા બાદ વ્યાજખોર મહિલા સહિત ત્રણ શખ્સોએ મહિલાનું મોપેડ અને રકમ પણ પડાવી લીધી હતી.
વાસણારોડ પર રાણેશ્વર મંદિર પાસે કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા ભૂમી જગદીશભાઇ પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં સુધાબેન પટેલ (રહે.લેન્ડમાર્ક ફ્લેટ, ભાયલી), દેવેશભાઇ માને (રહે.વ્રજવિહાર સોસાયટી, વાસણારોડ) અને કિરણભાઇ સોની સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન બાદ પતિ સાથે અણબનાવ થતાં હું અને મારો પુત્ર છેલ્લા ૧૦ વર્ષથી પિયરમાં રહીએ છીએ. જૂન-૨૦૨૩માં મારે પુત્રની સ્કૂલ ફી ભરવા માટે મારા પરિચિત દેવેશભાઇ માનેનો સંપર્ક કરી મારે રૃા.૨૦ હજારની જરૃર છે તેમ કહ્યું હતું.
દેવેશભાઇએ ભાયલીમાં પાયલ બ્યૂટિ પાર્લરમાં જઇને સુધાબેનને મળવાનું કહ્યા બાદ હું ત્યાં જઇને સુધાબેનને મળી હતી. તેમણે મને તેમના ફ્લેટ પર બોલાવી મારુ મોપેડ ગીરવી લઇને માસિક ૩ ટકાના વ્યાજે રૃા.૨૦ હજાર તેમના ઓળખીતા કિરણભાઇના એકાઉન્ટમાંથી મારા ખાતમાં ટ્રાન્સપર કરાવ્યા હતાં. બાદમાં દર મહિને હું વ્યાજના રૃા.૬૦૦ ચૂકવતી હતી. થોડા મહિના પછી સુધાબેને મને ઘેર બોલાવી રૃા.૨૦ હજાર અને વ્યાજના વધારાના રૃા.૪ હજારની માંગણી કરી હતી પરંતુ મેં તેમને દર મહિને વ્યાજ નિયમિત ચૂકવું છું તેમ કહી વધારાના પૈસા આપવાની ના પાડી દીધી હતી.
આ અંગે મેં દેવેશભાઇને વાત કરતા તેમણે વ્યાજ અને રકમ મને આપી દો હું તમને મોપેડ પરત અપાવું છું તેમ કહેતાં મે તેમને કુલ રૃા.૨૧૨૦૦ આપ્યા હતાં પરંતુ બાદમાં મને મોપેડ પરત આપ્યું ન હતું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે ત્રણે વ્યાજખોરો સામે વધુ તપાસ હાથ ધરી છે.










