Surat Famous Ponkh: સમગ્ર વિશ્વમાં સુરતની ઓળખ પોંક હતો, પરંતુ હાલમાં સતત વાતાવરણમાં બદલાવ અને સુરત સિમેન્ટ કોંક્રિટના જંગલ બની જતા સુરતની ઓળખ સમા પોંક સુરતથી દૂર જઈ રહ્યો છે. શહેરની આસપાસ નાના શહેરોમાં ઠંડી શરૂ થઈ ગઈ છે, તેથી મીઠો પોંક આ વિસ્તારમાંથી આવી રહ્યો છે. પોંકની ભઠ્ઠી પણ હાઈવે અને રોડ પર દેશી સ્ટાઈલમાં ચુલા પર સેન્ટ્રીંગ પ્લેટ મુકી ખેતરની માટી પર જુવારના ડુંડા ભુંજી પોંક બનાવવામાં આવે છે. ભઠ્ઠીમાં પહેલો પોંક વેચાણમાં આવે તે પહેલા પોંકની એન્ટ્રી ઓલપાડ, બારડોલી નવસારી અને કરજણ જેવા વિસ્તારોમાંથી થઈ રહી છે, જેથી સુરતી પોંક માટે પોંક નગરીના બદલે શહેરની આસપાસના હાઈવે તથા અન્ય રોડ પર જઈ રહ્યાં છે.

પોંકની નવી નગરી: ઓલપાડ, બારડોલી અને કરજણ
ભારતના દરિયામાં આવેલા ડિપ્રેશનના કારણે સુરતમાં દિવાળી બાદ પણ સતત વરસાદ પડ્યો હતો. તેની પ્રતિકૂળ અસર સુરતના પોંકના પાક પર જોવા મળી રહી છે. જ્યારે સુરત નજીકના કેટલાક વિસ્તારોમાં ઠંડી પડી છે અને પોંક માટે જુવારના ડુંડા તૈયારી થઈ ગયા છે અને હવે મીઠો પોંક સુરત બહારના શહેરોમાં મળી રહ્યો છે તેથી સુરતીઓ પોંક નગરીના બદલે સુરતની આસપાસના ગામડા અને હાઈવે પરના પોંકના સ્ટોલ પર જઈ પોંકની મીજબાની કરી રહ્યાં છે. તો કેટલાક નાના સ્ટોલ પર શહેરની બહારના પોંક સ્ટોલ પરથી પોંક લાવી વેચાણ કરી રહ્યા છે.
ઓલપાડ હાંસોટ રોડ પર પોંકનો સ્ટોલ ધરાવનારા મિતેશ ઓડ કહે છે, ‘ઓલપાડની આસપાસના વિસ્તારમાં વાતાવરણ પોંક માટે અનુકુળ છે. આ છેલ્લા કેટલાક વર્ષોથી સુરત કરતાં બારડોલીમાં પોંક માટે જુવાર જલ્દી થઈ જાય છે. જેના કારણે સુરત કરતાં આ વિસ્તારમાં પોંકના ડુંડા જલ્દી તૈયાર થાય છે આ ઉપરાંત સુરત કરતાં ઠંડી વધુ પડે છે તેથી પોંક કુમળો અને મીઠો પણ મળી રહ્યો છે. અમદાવાદ- વડોદરાથી હાંસોટ થઈ આવતા લોકો અઙી પોંક માટે ઊભા રહે છે અને તાજો પોંક લઈ જાય છે.’

સુરતમાં પોંક માટે ઈંટોની ભઠ્ઠી બનાવવામાં આવે છે, પરંતુ હાઈવે તથા અન્ય નાના ગામડામાં ભઠ્ઠીના બદલે દેશી ચૂલો બનાવે તેમ ખાડો ખોદવામાં આવે છે. તેની નીચે લાકડા મુકી સળગાવવામાં આવે છે તેની ઉપર સેન્ટ્રીંગ પ્લેટ મુકવામાં આવે છે. ખેતરની કાળી માટે પાથરી તેના પર જુવારના ડુંડા ભુંજવા (શેકવામાં) આવે છે. ત્યારબાદ સુરતમાં જે સ્ટાઈલમાં પોંક માટે કાપડથી થેલીમાં મુકી દંડા મારી ડુંડામાંથી પોંક છુટો પાડી સફાઈ કરી લોકોને આપવામાં આવી રહ્યો છે. આમ હવે સુરત બહારના વિસ્તારમાંથી પોંકની એન્ટ્રી થઈ રહી છે અને સ્વાદના શોખીન સુરતીઓ પોંક માટે હવે સુરતના બદલે સુરત બહાર જઈ રહ્યા છે.

આ પણ વાંચો: આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો: કપાસની ખેતી નષ્ટ થઈ, સરકારી સહાય હજીયે ‘શૂન્ય’!
શહેરીકરણ અને વધતા જતા પ્રદૂષણને કારણે પોક સુરતથી દૂર જઈ રહ્યો છે
પોંકના કારણે સમગ્ર વિશ્વમાં સુરતની ઓળખ ઊભી થઈ છે. પરંતુ સુરતમાં શહેરી કરણ સિમેન્ટ કોંક્રિટ જંગલ અને ખેતરો ઓછા થઈ રહ્યું છે. મેટ્રો સીટી તરફ આગળ દોડતું સુરતમાં ઔદ્યોગિક વિકાસ સાથે સિમેન્ટ કોંક્રિટના જંગલો બની જતાં તેની મૂળ ઓળખ ગુમાવી રહ્યું છે. સુરતની મૂળ ઓળખ એવા આંધળી વાણીના પાકની ખેતી સુરતથી દુર જઈ રહી છે. આ ઉપરાંત સુરતમાં ઔદ્યોગિક એકમો અને પ્રદૂષણની માત્રા વધુમાં હોવાથી ઠંડી પહેલા જેવી પડતા નથી. પરંતુ સુરતની આસપાસ નવસારી, બારડોલી અને કરજણ જેવા વિસ્તારમાં પોંકની જુવાર જલ્દી થઈ રહી છે. આ વાતાવરણ પોંકની માફક આવતી હોવાથી જલ્દી પોંક આવે છે અને ત્યાંથી પોંકનું વેચાણ થાય છે.

ડિમાન્ડ સામે આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો
આંધળી વાણીના પોંકની શરૂઆત સુરતથી જ થઈ હતી પણ હવે આ મોનોપોલી તુટી રહી છે. ખેતરો ઘટતા હવે પોંક સુરત હાંસોટ રોડ, બારડોલી અને કરજણ વિસ્તારમાં પોંકના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિમાન્ડ સામે આવક ઓછી હોવાથી ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને શહેરની બહાર પણ પોંક 800 રૂપિયા કિલોના ભાવથી વેચાઈ રહ્યો છે. પહેલા આવતો તેવો સ્વાદ પહેલા જેવો લાગતો નથી. પરંતુ સ્વાદ શોખીન સુરતીઓ મીઠાઈની કિંમતનો પોંક ટેસ્ટથી ખાઈ રહ્યાં છે.

ઓછું ઝાકળ અને પ્રદૂષણ વધતા પોંકનો સ્વાદ ફિક્કો થયો
ચાલુ વર્ષે દિવાળી બાદ પણ વરસાદ પડ્યો હતો તેથી જુવારનો પાક ઓછો થયો અને ઠંડીનું પ્રમાણ પણ ઓછું હોવાથી સુરતની ઓળખ સમાન પોંકનું સ્થળાંતર થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે, જેટલી ઠંડી વધુ અને ઝાકળ વધુ એટલો પોંક મીઠો અને પોચો બને છે. ભૂતકાળમાં ભરપુર ઠંડી અને ઝાકળ પડતું. જો કે, હવે ઓછી ઠંડી અને ઓછા ઝાકળ સાથે સાથે પ્રદૂષણ વધતા હાલમાં મળતો પોંકમાં પહેલા જેવી મીઠાશ અને નરમાઈ નથી.










