અમદાવાદ,ગુરૂવાર
તબીબોના પ્રિસ્ક્રીપશન વિના મેડીકલ સ્ટોરના સંચાલકો કેટલીક દવાનું વેચાણ કરી શકતા નથી. પરંતુ, ઘણા મેડીકલ સ્ટોરના સંચાલકો નિયમ વિરૂદ્ધ જઇને ગેરકાયદે દવા અને કફશીરપનું વેચાણ કરતા હોય છે. ત્યારે વાડજ સ્થિત એક મેડીકલ સ્ટોરનો વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં મેડીકલ સ્ટોરનો સંચાલક તબીબી પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપનું વેચાણ કરે છે. આ વાયરલ વિડીયોના આધારે પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં હવે મેડીકલ સ્ટોરમાંથી નશાખોરી માટે દવા અને કફશીરપનો ઉપયોગ બેરોકટોક કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ેએક રિપોર્ટ પણ આવ્યો છે કે કફશીરપનો વધારે પડતો ઉપયોગ નુકશાનકારક છે. પરંતુ, કેટલાંક લોકો ફેક્ટરીઓમાં સંચાલકોની મદદથી કફ શીરપનું ગેરકાયદે ઉત્પાદન કરીને મોટાપ્રમાણમાં વેચાણ કરી રહ્યા છે. જેમાં પોલીસની અને સરકારી તંત્રની પણ મીલીભગત હોવાથી કાર્યવાહી થતી નથી. ખાસ કરીને કફશીરપ તબીબોના પ્રિસ્ક્રીપશન વિના આપવામાં ન આવતા કફશીરપને કેટલાંક મેડીકલ સ્ટોરના સંચાલકો કોઇ ડર વિના વેચાણ કરે છે. જેમાં વાડજમાં આવેલા એક મેડીકલ સ્ટોરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં સંજીવની મેડીકલ મેડીકલ સ્ટોરનો સંચાલક કોઇ પ્રિસ્ક્રીપશન વિના જ કફશીરપ બમણી કિંમતે વેચાણે આપે છે. સંજીવની મેડીકલ સ્ટોરના સંચાલકનુ નામ હાર્દિક ઠક્કર હોવાનું જાણવા મળ્યું છે.
એટલું જ આ કફશીરપ આપવાનો અન્ય મેડીકલ સ્ટોરના સંચાલકોએ ઇન્કાર કરી દીધો હતો. તબીબના જણાવ્યા મુજબ કફશીરપના ડ્રગ્સનો ઉપયોગ કફ કે ઉધરસ સિવાય કરવામાં આવે ત્યારે ઉંઘ આવે અને ચક્કર ચડે તેમજ નશાનો અનુભવ થાય છે. જેથી આ પ્રકારના કફશીરપનો નશો એકવાર કર્યા બાદ તેની આદત લાગી જાય છે. જેથી મેડીકલ સ્ટોરના સંચાલકો સસ્તામાં નબળી ગુણવતાના લાવેલા કફશીરપને બમણી કિંમતે વેચાણ કરતા હોય છે.










