![]()
મંડળીમાં ગેરવહિવટ કરી થાપણદારોના પૈસા ઓળવી જનાર સામે ફરિયાદ
શ્રી સૌરાષ્ટ્ર ક્રેડિટ કો.ઓ.સોસાયટી લી.ના પ્રમુખ અને મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રૂ.25.80 લાખની ઉચાપત
ભાવનગર: બોટાદમાં શ્રી સૌરાષ્ટ્ર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લી.નામની સહકારી મંડળી બનાવી મંડળીના પ્રમુખ અને મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન બોટાદના શખ્સે મંડળીના સભ્યોની બાંધી મુદ્દતની થાપણોમાં રોકાણ કરેલી રકમો પૈકી ૯૦ ટકા રકમની ઉચાપત કરી કુલ રૂ.૨૫.૮૦ લાખનું આર્થિક નુકસાન પહોંચાડયું હતું. બનાવ અંગે બોટાદ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોેટાદ ખાતે રહેતા અને શ્રી સૌરાષ્ટ્ર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લી.ના પ્રમુખ કિશોરભાઈ નરશીભાઈ કાપડીયાએ બોટાદ પોલીસ મથકમાં હનીફ હમીરભાઈ કુરેશી (રહે.બોટાદ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત હનીભભાઈએ શ્રી સૌરાષ્ટ્ર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લી.નામની સહકારી મંડળી બનાવી તેમને વિશ્વાસમાં લઈ મંડળીમાં વર્ષ-૨૦૧૯થી રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું અને બાદમાં તેમણે સ્થાપકમાંથી રાજીનામું આપી મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને તેમને પ્રમુખ તરીકે મંડળીમાં જોડી તેમના વતી હનીફભાઈ સમગ્ર વહીવટ કરતા હતા અને હનીફભાઈએ તેમના પ્રમુખ અને મેનેજર (મંત્રી) તરીકેના કાર્યકાળ દરમિયાન સોસાયટીના આશરે ૧૨થી૧૩ જેટલા સભ્યોએ જે બાંધી મુદ્દતની થાપણોમાં રોકાણ કર્યું હતું. તે પૈકી ૯૦ ટકા જેટલી માતબાર રકમની ઉચાપત કરી કુલ રૂ.૨૫,૮૦,૫૩૮ની થાપણોમાં ઉચાપત કરી ગેર વહીવટ કરી ખોટું રેકોર્ડ ઉભુ કરી આર્થિક નુકસાન પહોંચાડી ઓફીસને તાળુ મારી નાસી જઈ સભાસદો સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી આચરી હતી. આ અંગે બોટાદ પોસીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રોકાણની રકમનો છેલ્લો આંકડો કાઢી ઓછી રકમ જમા કરી કૌભાંડ આચર્યું
રોકાણકારોએ રોકાણ કરેલા રકમથી ઓછી રકમનું રોકાણ મંડળીના રેકોર્ડમાં થયેલું હોવાનું સામે આવતા આંતરિક તપાસમાં જણાયું હતું કે, હનીફ કુરેશીએ મોટી રકમની થાપણો મેળવી પહોંચ લખી આપી હતી અને સોસાયટીના રેકોર્ડમાં ઓછી રકમ જમા થઈ હતી. સભાસદો જેટલી રકમ બાંધી મુદ્દતની થાપણ તરીકે જમા કરાવતા તે રકમનો છેલ્લો આંકડો હનીફ કુરેશીએ કાઢી નાખી વધતી રકમ મંડળીના રેકોર્ડમાં જમા કરાવી આશરે ૯૦ ટકા જેટલી રકમની ઉચાપત કરી હતી.










