અમદાવાદ,રવિવાર
ઇસનપુરમાં ખાનગી બેંકના મેનેજરે ભેળસેળ યુકત સોનાની બંગડીઓ ઉપર મહિલાને રૃપિયા ત્રણ લાખની ગોલ્ડ લોન આપી હતી. જો કે લોન ભરપાઇ કરાઇ ન હતી અને બેન્ક દ્વારા ઓડિટ દરમિયાન લોકરમાં રહેલી સોનાની તપાસ કરતા ૧૦ પૈકી ૯ બંગડીઓમાં સોનાના બદલે પ્લાસ્ટિક તથા લોખંડની ધાતુ વાળી બંગડીઓ હોવાનું બહાર આવ્યું હતું.
ઇસનપુરમાં બેન્ક મેનેજરે નોકરી છોડી દીધી ઃ ૭૦ ગ્રામ સોનામાં ૪૦ ગ્રામ પ્લાસ્ટીક, લોખંડની ધાતુ
સૈજપુર-બોઘામાં રહેતા ઘોડાસર ખાતે આવેલી આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ લીમીટેડ નામની ખાનગી બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતા પ્રનબીરે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં તેમની બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતા ઉત્તર પ્રદેશના વતની અજીતસિંહ તથા ગોમતીપુરમાં રહેતી મહિલા ગ્રાહક સામે ફરિયાદ નોંધાવી છે કે દોઢ વર્ષ પહેલા મેનેજરે મહિલા પાસે સોનાની ૧૦ બંગડી ગીરવે મુકાવીને પ્રથમ રૃા.૧.૯૯ લાખની લોન મંજૂર કરી હતી.
ત્યારબાદ લોકરમાં રહેલા સોના ઉપર એક લાખની ટોપઓપ લોન ઓનલાઈન કરાવીને કુલ રૃા.૩ લાખની લોન બેંકમાંથી અપાવી હતી. બીજીતરફ બેન્ક દ્વારા ઓડિટ દરમિયાન સોનાની ૧૦ બંગડીઓની ખરાઈ કરાવતા ૯ બંગડીમાંથી પ્લાસ્ટિક અને લોખંડ ધાતુનું મિશ્રણ હોવાનું બહાર આવ્યું હતું બેન્ક દ્વારા તપાસનો ધમધમાટ શરુ થતાં આરોપી બેન્ક મેનેજર નોકરી છોડીને જતા રહ્યા હતા.










