![]()
દુકાનનો કરાર જોતો હોય તો 10 લાખ આપવા પડશે
પિતાની સારવાર માટે વેપારીએ ખીરસરાના વ્યાજખોર પાસેથી ૨.૫૦ લાખ લીધા હતા જેની સામે ૩.૫૦ લાખ ચૂકવી દીધા છતા ધમકી
રાજકોટ : કોઠારીયા રોડ પર સુરભી પ્રોસીબલમાં રહેતા અને મેટોડા જીઆઈડીસી ગેઈટ નં. ૨માં સ્થિત ચૈતન્ય કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં ખોડિયાર ફેબ્રીકેશન નામે દુકાન ધરાવતા વેપારી નાગજીભાઈ ધનજીભાઈ ફળદુ (ઉ.વ.૩૮)એ ૫ ટકા લેખે વ્યાજે લીધેલા અઢી લાખની સામે ૩.૫૦ લાખ ચૂકવી દીધા છતાં વ્યાજખોર જીતેન્દ્ર અમૃતભાઈ રત્નોતર (રહે. ખીરસરા)એ રૂા. ૧૦ લાખ માંગી ધમકી આપી તેની દુકાન પડાવી લેવા તાળા મારી દીધાની મેટોડા જીઆઈડસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મૂળ કાલાવડના નપાણીયા ખીજડીયાના નાગજીભાઈ એ પોલીસને જણાવ્યું કે એકાદ વર્ષ પહેલા પિતાની કેન્સરની બીમારી હોવાથી હોસ્પિટલના ખર્ચા વધુ થઈ જતાં પૈસાની જરૂરીયાત ઉભી થતાં આરોપી જીતેન્દ્ર પાસેથી રૂા. ૨.૫૦ લાખ ૫ ટકા વ્યાજે લીધા હતા. જેના બદલામાં આરોપીને તેની દુકાનનો નોટરાઈઝ વેચાણ ખત અને બે કોરા ચેક અપાયા હતા. એટલું જ નહીં આરોપીએ દુકાનનો ૧૮ માસનો ભાડા કરાર પણ કરાવી લીધો હતો. ૧ વર્ષ દરમિયાન તેણે આરોપીને રૂા. ૩.૫૦ લાખ ચુકવી દીધા હતા. છતાં આરોપી તેની દુકાનનો વેચાણ કરાર પરત આપતો ન હતો. તેમજ તેની દુકાન ખાલી કરાવવા જણાવતો હતો. પંદરેક દિવસ પહેલા આરોપીએ તેની દુકાને જઈ તારે આ દુકાનનો વેચાણ કરાર પાછો જોઈતો હોય તો તારે મને ૧૦ લાખ આપવા પડશે. નહીંતર દુકાન ભુલી જજે. કહી ગાળો દઈ ધમકી આપી દુકાનને તાળા મારી જતો રહ્યો હતો.










