![]()
માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે
કડીથી બાઈક ઉપર બે યુવાનો ગાંધીનગર આવી રહ્યા હતા તે દરમિયાન ફાટક પાસે બનેલી ઘટના
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક રાંધેજા રેલ્વે ફાટક પાસે બાઈક ઉપર પસાર
થઈ રહેલા બે યુવાનોને સામેથી આવતી કારે અડફેટે લીધા હતા અને ફરાર થઈ ગઈ હતી. જે
ગંભીર અકસ્માતમાં સારવાર દરમિયાન એક યુવાનનું મોત થયું હતું. જે ઘટના સંદર્ભે
પોલીસે ગુનો દાખલ કરી ફરાર કારચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ બની રહી છે ત્યારે છેલ્લા થોડા સમયથી હિટ એન્ડ રનના બનાવો ચિંતાજનક રીતે વધી
રહ્યા છે. આ સ્થિતિમાં શહેર નજીક આવેલા રાંધેજા ફાટક પાસે બાઈક ઉપર પસાર થઈ રહેલા
બે યુવાનોને અજાણ્યો કાર ચાલક હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જે ગંભીર અકસ્માતમાં
એક યુવાનનું મોત થયું છે. જે ઘટના સંદર્ભે મૂળ ઉત્તર પ્રદેશના અને છેલ્લા થોડા
સમયથી કડી ખાતે રહીને મજૂરીનો કોન્ટ્રાક્ટ રાખતા અમરનાથ શ્યામનારાયણ વર્માએ ફરિયાદ
નોંધાવી હતી કે, તેમની
સાથે વિનયકુમાર સિયારામ ગુપ્તા અને શિવમ રામદ્પ વર્મા રહેતા હતા. ગત શનિવારના રોજ
વિનય અને શિવમ તેમનું બાઈક લઈને કામ અર્થે ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. આ
દરમિયાન તેઓ રાંધેજા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે ફાટક પાસે સામેથી એક ગાય
આવતા તેમણે બાઈક ઓવરટેક કર્યું હતું તે દરમિયાન સામેથી પૂર ઝડપે આવતી કારે તેમના
બાઇકને હડફેટે લીધું હતું અને આ બંને રોડ ઉપર નીચે પટકાયા હતા. જોકે અકસ્માત
સર્જીને કારનો ચાલક કાર લઈને નાસી છૂટયો હતો. જે અકસ્માત બાદ બંને ઘાયલોને સારવાર
માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે વિનયની તબિયત લથડી જતાં
તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર
દરમિયાન મોત થયું હતું. અકસ્માતની આ ઘટના અંગે હાલ પેથાપુર પોલીસ દ્વારા ફરાર થઈ
ગયેલા કાર ચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.










