અમદાવાદ, સોમવાર
શાહીબાગમાં નમસ્તે સર્કલ પાસે દિવાળીના તહેવારમાં થયેલી તકરારનો બદલો લેવા માટે યુવકને આડેધડ છરીના ઘા મારી ખૂની હુમલો કર્યો હતો. જેમાં યુવક તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે પડોશી શખ્સ આવ્યો હતો અને તકરાર કરીને આજે હું આવી ગયો છું. બોલ તારે મારી સાથે ઝઘડવું છે કહીને છરીથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માધુપુરા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શાહીબાગમાં છરીથી હુમલો કરીને આજે તો બહું ઓછો માર્યો છે ફરીથી તું જોવા મળીશ તો જાનથી મારી નાખીશ ઃ માધુપુરા પોલીસે ગુનો નોંધ્યો
શાહીબાગમાં નમસ્તે સર્કલ પાસે ઘોડા ગાડીના ડહેલામાં રહેતા યુવકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રવિવારે ફરિયાદી યુવક તેના મિત્રો સાથે ઘોડાગાડીના ડહેલાની અંદર વાતચીત કરતોે હતો. આ સમયે પડોશમાં રહેતો આરોપી ત્યાં આવ્યો હતો ત્યારબાદ યુવકને કહ્યું કે તું દિવાળીના તહેવાર વખતે મારા સાથે બોલાચાલી કરતો હતો.
આજે હું આવી ગયો છે, બોલ તારે મારી જોડે ઝઘડવું છે તો આજે લડી લઈએ કહેતા ફરિયાદી યુવકે કહ્યું કે તું ઘરે જતો રહે મારે કોઇ મગજમારી કરવી નથી કહેતા આરોપીએ ઉશ્કેરાઇને ગાળો બોલીને તકરાર કરી હતી બાદમાં તેની પાસેની છરીથી હુમલો કરીને બાવડા, કોેણી અને પાંસળી તથા હોઠના ભાગે છપરા છાપરી ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જીવલેણ હુમલો કર્યા બાદ આજે બચી ગયો છે ફરીથી મળીશ તો મારી નાખીશ તેવી ધમકી આપીને આરોપી નાસી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.










