![]()
Surat : સુરત પાલિકાના લિંબાયત ઝોનના રઝાનગરમાં ગેરકાયદે વસવાટ કરતા લોકોના મકાન સીલ કરવાની કામગીરી સતત બીજા દિવસે યથાવત રહી હતી. આજે પાલિકાની કામગીરી શરૂ થાય તે પહેલાં વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે વધુ 28 મકાન સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સુરત પાલિકાએ ઝુંપડા સ્થળાંતર કરીને લિંબાયતના ભાઠેના વિસ્તારમાં લોકોને જગ્યા ફાળવી હતી. જોકે, સમય જતાં અસરગ્રસ્તોને ફાળવણી કરી હતી તેની સાથે મોટી સંખ્યામાં લોકોએ ગેરકાયદે કાચા પાકા મકાન બનાવી દીધા હોવાની ફરિયાદ થઈ હતી. ભાજપના કોર્પોરેટરે કરેલી ફરિયાદ બાદ પાલિકાએ સર્વે કર્યો હતો ક્રોસ વેરી ફેશનમાં 45 લોકોએ ગેરકાયદે મકાન બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. ગઈકાલે પાલિકાએ લોકોના વિરોધ વચ્ચે 18 મિલકતો સીલ કરી હતી. ત્યાર બાદ આજે પાલિકા બાકીના ગેરકાયદે મિલ્કતો સીલ કરવા આવે તે પહેલાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જોકે, પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે બાકી રહેલા ગેરકાયદે 27 મકાન સીલ કરવાની કામગીરી પાલિકાએ શરૂ કરી છે. લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને તેઓ પાલિકા કમિશ્નરને રજુઆત કરવા માટે તૈયારી કરી રહ્યાં છે.










