![]()
વડોદરા,વડોદરામાં ગઇકાલે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો. જેના પગલે પોલીસ હાઇ એલર્ટ પર હતી. તે સમયે જ દારૃનો કેસ ગાંધીનગરની એજન્સીએ કર્યો છે. વડોદરા પોલીસને ઘોળીને પી જતા બૂટલેગરનો ૬.૫૦ લાખના વિદેશી દારૃ એસ.એમ.સી.એ કબજે કર્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર અને સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે.
સોમવારે શહેરમાં વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. તે સમયે ગાંધીનગર સ્થિત એસ.એમ.સી.ના સ્ટાફને માહિતી મળી હતી કે, અર્જુન ઉર્ફે સની મારવાડી અને કરણ મારવાડી વડસર ગામની પાછળ આવેલી ગૌશાળાની સરકારી જગ્યામાં દારૃનું વેચાણ કરી રહ્યા છે. તેઓએ વેલેન્સીયા કોર્ટયાર્ડ એપાર્ટમેન્ટ નીચે પાર્કિંગમાં કારમાં વિદેશી દારૃ મૂકી રાખ્યો છે. ત્યાંથી મોપેડ પર થોડો થોડો દારૃ લઇ આવી વેચાણ કરે છે. પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા સુનિલ ધીરૃભાઇ ભાલીયા તથા રોશન ઠાકોરભાઇ પરમાર ( બંને રહે. વડસર ગામ) મળી આવ્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યંુ હતું કે, અર્જુન અને કરણ મારવાડીએ અમને રોજના ૭૫૦ રૃપિયાના ભાડે નોકરી રાખ્યા હતા.તેઓ નિરવ ભરતભાઇ પટેલ મારફતે દારૃ મંગાવતા હતા.
પોલીસને જોઇને અર્જુન ઉર્ફે સની મારવાડી દારૃ ભરેલી કાર લઇને ભાગવા જતા પોલીસે તેનો પીછો કર્યો હતો. પકડાઇ જવાના ડરથી અર્જુન દારૃ ભરેલી કાર છોડીને દીવાલ કૂદીને ભાગી ગયો હતો. પોલીસે દારૃ અને બિયરની ૬૨૨ બોટલ કિંમત રૃપિયા ૬.૫૦ લાખની કબજે કરી છે. પોલીસે દારૃ, કાર, ટુ વ્હિલર અને રોકડા ૨૫ હજાર મળી કુલ ૧૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દારૃના સ્ટેન્ડની વિગતો વાયરલ થવા છતાંય પોલીસે કાર્યવાહી ના કરી
વડોદરા,
ગઇકાલના કેસમાં દારૃના સપ્લાયર તરીકે આરોપી નીરવ પટેલનું નામ ખૂલ્યું છે. તેની સામે અગાઉ પણ કેસ થયા છે. તેમછતાંય તેણે દારૃનો ધંધો ચાલુ રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અર્જુન મારવાડીના દારૃના સ્ટેન્ડની વિગત સોશિયલ મીડિયામાં વાયરલ થવાછતાંય ડીસીબી,પીસીબી, એલસીબી અને સ્થાનિક પોલીસે કોઇ કાર્યવાહી કરી નહતી.
દારૃના કેસમાં વડોદરા પોલીસ કાયમ ઊંઘતી ઝડપાય છે
વડોદરા,
લિસ્ટેડ બૂટલગેરોના દારૃના ધંધા અંગે વડોદરા પોલીસ કાયમ ઊંઘતી ઝડપાય છે. પરંતુ, તેની પાછળનું કારણ શોધવામાં ઉચ્ચ અધિકારીઓને પણ કોઇ રસ હોય તેવું લાગતું નથી. વડોદરા પોલીસ તંત્રમાં વહીવટદારની છાપ ધરાવતા દીપુ નામના પોલીસ જવાનનું નામ અગાઉ વારંવાર ચર્ચામાં આવતા તેની બદલી કરી દેવામાં આવી હતી. તેમછતાંય હજી તે કેટલાક અધિકારીઓનો ખાસ છે.










