![]()
મુંબઈ : સપ્ટેમ્બરમાં સક્રિય ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડોએ પોતાના કેશ ઓન હેન્ડમાં સાધારણ ઘટાડો કર્યો છે. ગયા મહિને કેશ હોલ્ડિંગમાં ઘટાડો છતાં, એકંદર કેશ રિઝર્વની માત્રા હજુ પણ ઊંચી છે. કેશ હોલ્ડિંગની ઊંચી માત્રાનો અર્થ વર્તમાન વોલેટાઈલ માર્કેટમાં ફન્ડ હાઉસો સાવચેતી ધરાવી રહ્યા છે.
પ્રાપ્ત ડેટા પ્રમાણે, ફન્ડ હાઉસોના ઈક્વિટી સેગમેન્ટમાં કેશ રિઝર્વ સપ્ટેમ્બરના અંતે સાધારણ ઘટી રૂપિયા ૧.૪૬ લાખ કરોડ રહ્યું છે જે ઓગસ્ટમાં રૂપિયા ૧.૪૯ લાખ કરોડ હતું.
કુલ ઈક્વિટી એસેટસના હિસ્સા તરીકે રોકડની માત્રા ૩ ટકાથી પણ અંદર ઊતરી ગઈ છે, જે ૧૬ મહિનામાં સૌથી નીચી છે. ઓગસ્ટમાં આ ટકાવારી ૩.૧૧ ટકા હતી. ફન્ડ હાઉસોની એકંદર ઈક્વિટી એયુએમ રૂપિયા ૪૯.૦૬ લાખ કરોડ રહી હતી એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
સાધારણ ઘટાડો છતાં કેશની સ્થિતિ સામાન્ય કરતા ઊંચી જોવા મળી રહી છે. બજારના વેલ્યુએશનો ઐતિહાસિક સરેરાશ કરતા ઊંચા પ્રવર્તતા હોવાથી ફન્ડ હાઉસો રોકાણમાં સાવચેતી ધરાવી રહ્યા છે.
ફન્ડ હાઉસોનો રોકાણ વ્યૂહનો આધાર અર્નિગ્સમાં વૃદ્ધિ તથા વ્યવહારિક વેલ્યુએશન પર રહે છે. હાથમાં કેશ જાળવી રાખવાને કારણે ઘટાડાના સમયે ફન્ડોને યોગ્ય તક મળી રહે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ઊંચા ટેરિફ ઉપરાંત ભૌગોલિકરાજકીય અશાંતિને પરિણામે સપ્ટેમ્બરમાં ભારતમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી.
વર્તમાન વર્ષના મેમાં ઈક્વિટી ફન્ડો પાસે કેશ ઓન હેન્ડ રૂપિયા ૧.૭૩ લાખ કરોડ રહી હતી તેમાં જો કે ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્લોક ડીલ્સ તથા આઈપીઓમાં રોકાણને કારણે કેશ હોલ્ડિંગ ઘટી રહ્યાનું પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.
૨૦૨૪ના સંપૂર્ણ વર્ષની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફન્ડો પાસે કેશ ઓન હેન્ડ રૂપિયા ૭૦,૦૦૦ કરોડ વધી વર્ષના અંતે રૂપિયા ૧.૮૦ લાખ કરોડ રહી હતી. રિડમ્પશન અથવા યોગ્ય લાગે ત્યારે રોકાણની તક ઝડપવા ફન્ડ હાઉસોને તેમના પોર્ટફોલિઓનો કેટલોક હિસ્સો કેશમાં જાળવવાની છૂટ આપવામાં આવે છે.










