અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ, શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા તા. ૬ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘શ્રી પશુપતિનાથ–મુક્તિનાથ દિવ્ય નેપાળ યાત્રા–૨૦૨૬’નું સફળ અને ભક્તિમય વાતાવરણમાં સમાપન થયું છે. આ પવિત્ર યાત્રામાં ૧૨૬ યાત્રાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં સંસ્કૃતિ, ભક્તિ, પરસ્પર સહકાર અને માનવસેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
ભક્તિમય પ્રવાસ અને ધાર્મિક દર્શન: આઠ દિવસીય યાત્રા દરમિયાન યાત્રાળુઓએ કાઠમંડુ ખાતે ભગવાન પશુપતિનાથ મહાદેવની સામૂહિક રુદ્રી પૂજા, ગુહ્યેશ્વરી શક્તિપીઠ, બાગમતી નદીની મહાઆરતી, ચંદ્રાગિરી હિલ્સ ખાતે ભાલેશ્વર મહાદેવ, સ્વયંભૂનાથ બૌદ્ધ સ્તૂપ, ડોલેશ્વર મહાદેવ, જલનારાયણ અને ઐતિહાસિક ભક્તપુર તથા કાઠમંડુ દરબાર સ્ક્વેરની મુલાકાત લીધી હતી.
ત્યારબાદ પોખરા પહોંચીને યાત્રાળુઓએ પવિત્ર મુક્તિનાથ ધામ ખાતે ૧૦૮ મુક્તિધારા અને પવિત્ર કુંડોમાં સ્નાન કરી ભગવાન મુક્તિનાથના દર્શન કર્યા હતા. સાથે જ પ્રાકૃતિક જ્યોત ધરાવતા જ્વાળા માઈ મંદિર, કાળી ગંડકી નદી, ગલેશ્વર મહાદેવ, પુમ્દીકોટ શિવ પ્રતિમા, ગુપ્તેશ્વર મહાદેવ ગુફા, સારાંગકોટ, વિંધ્યવાસિની માતાજી અને મનોકામના મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાના અંતિમ દિવસે પુનઃ પશુપતિનાથ મહાદેવના દર્શન સાથે યાત્રા પૂર્ણ થઈ હતી.
માનવસેવાની સરાહનીય પહેલ (રૂ. ૩,૦૧,૧૧૧ની રાહત સહાય) : નેપાળમાં કુદરતી આફત અને પૂરથી અસરગ્રસ્ત લોકો માટે ટ્રસ્ટ તથા યાત્રાળુઓ દ્વારા સ્વેચ્છાએ ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. એકત્ર થયેલી કુલ NPR ૩,૦૧,૧૧૧ની રકમ પોખરા જિલ્લાના ચીફ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ચિત્રાંગત બરાલને રૂબરૂ અર્પણ કરવામાં આવી હતી તથા ‘PM DAIBI PRAKOP UDDAR KOSH’ ખાતામાં જમા કરાવી રાષ્ટ્રીય સેવા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વિશેષ સન્માન અને નેતૃત્વ
પ્રવાસ દરમિયાન મજેહરી રિસોર્ટ ખાતે યોજાયેલા વિશેષ સન્માન સમારંભમાં સંસ્થાના પ્રમુખ નિતીનભાઈ કેશવલાલ હાલાણી તથા શ્રીમતી હંસાબેન, મંત્રી રાજુભાઈ પોપટ તથા શ્રીમતી લત્તાબેન, તેમજ આયોજનના મુખ્ય સૂત્રધાર અને પ્રવાસન મંત્રી નિલેશભાઈ ઠક્કર અને તેમના પરિવારજનોનું ટ્રસ્ટીમંડળ દ્વારા ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. યાત્રામાં ૮૫ વર્ષના વરિષ્ઠ યાત્રાળુ ડો. ધીરૂભાઈ પી. ઠક્કર પણ જોડાયા હતા.
*અડગ વિશ્વાસ અને ઉત્સાહ: નેપાળમાં પૂરની અનિશ્ચિત પરિસ્થિતિઓ વચ્ચે પણ સંસ્થા પ્રત્યે અડગ વિશ્વાસ રાખી માત્ર ૩૦ કલાકના ટૂંકા ગાળામાં ૧૨૬ યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી. પ્રવાસ દરમિયાન તમામ યાત્રાળુઓએ જાળવેલી શિસ્ત, સમયપાલન અને એકતાએ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ યાત્રાના પ્રારંભિક આયોજન અને સંચાલનમાં એમ.ડી. હિમાંશુભાઈ ઠક્કર, પ્રમુખ નીતિનભાઈ હાલાણી, તત્કાલીન પ્રમુખ મુકેશભાઈ હાલાણી, પ્રવાસન મંત્રી નિલેશભાઈ ઠક્કર, રાજેન્દ્રભાઈ મજીઠિયા તેમજ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો— જગદીશભાઈ મજીઠિયા, વી. આર. ગોપાણી, વિનીતભાઈ મજીઠિયા, હર્ષદભાઈ રાચ્છ, નરેશભાઈ પુજારા, વરિષ્ઠ ઉપપ્રમુખ હિતેશભાઈ રાજદે, ઉપપ્રમુખ રોહિતભાઈ મીરાણી, પાટણ વાગડ મહાજનના પ્રમુખ રાજુભાઈ મીરાણી, ભરતભાઈ આચાર્ય, દિવ્યેશભાઈ પુજારા, બિપીનભાઈ ઠક્કર, સુરેશભાઈ રાચ્છ, વિજયભાઈ પુજારા તથા ડૉ. ધીમીક ઠક્કર સહિતના અગ્રણીઓએ વિશેષ યોગદાન આપ્યું હતું.







