![]()
રજાના દિવસે વૃક્ષ કટિંગની કામગીરી શંકાસ્પદ
નવું મકાન બનાવવામાં નડતર હોવાનું વનવિભાગનું રટણ પ્લોટથી દૂર છતા વૃક્ષ કાપી નાંખતા નેચર લવર્સનો દેખાવો
ગાંધીનગર : ગ્રીનેસ્ટ કેપિટલ ગાંધીનગરમાં વિકાસના નામે સેંકડો નહીં પણ
હજ્જારો વૃક્ષોનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે. ત્યારે સે-૩માં પ્લોટીંગ પાડયા
બાદ અહીં ૧૦૦ વર્ષ જુના આંબાને રજાના દિવસે કાપવાની શંકાસ્પદ પ્રવૃત્તિ સામે
પ્રકૃતિ પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો છે. અહીં દેખાવો કરવામાં આવ્યા છે. ત્યારે ખાનગી
પ્લોટધારકની અરજીને ધ્યાનમાં રાખીને આ વૃક્ષ કાપવામાં આવ્યું હોવાનો બચાવ વનવિભાગ
કરી રહ્યું છે.
એક સમયના સૌથી ગ્રીનેસ્ટ કેપિટલમાં આવતા ગાંધીનગરમાં
વિકાસની આંધળી દોડમાં સેંકડો નહીં પણ હજ્જારો વૃક્ષોનો સોથ કાઢી નાંખવામાં આવ્યો
છે જેના પગલે હાલ ગાંધીનગરમાં હરિયાળીને બદલે સીમેન્ટ કોંક્રેટના જંગલો ઉભા થઇ ગયા
છે. આવી સ્થિતિ વચ્ચે સેક્ટર-૩માં ૧૦૦ વર્ષ જુના આંબાના વૃક્ષને રજાના દિવસે
કાપવાની પ્રવૃત્તિ વનવિભાગ દ્વારા કરવામાં આવતી હતી જેના પગલે સ્થાનિકો ભેગા થઇ
ગયા હતા અને જોતજોતામાં તો ત્યાં પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડયા હતા. જો કે, ત્યાં સુધીમાં
તંત્રની કટર ટીમ દ્વારા ઘટાદાર ફળાઉ વૃક્ષને જમીનદોસ્ત કરી દિધું હતું.ત્યારે
ત્યાં જઇને પ્રકૃતિ રક્ષા અભિયાનના મેહુલ તુવાર અને તેમની ટીમ તથા શ્રી રામ
ચેરીટેબલ ટ્રસ્ટના વિજયભાઇ અને તેમના સ્વયંસેવકો પહોંચી ગયા હતા અને ત્યાંથી લાકડા
સહિતનો મુદ્દામાલ લઇ જવા દેવામાં આવ્યો ન હતો એટલુ જ નહીં, અહીં પર્યવરણ
બચાવો, વૃક્ષ
બચાવો સહિતના બેનરો સાથે ઉગ્ર વિરોધ-દેખાવો પણ કર્યા હતા. જો કે, આ અંગે
વનવિભાગનું એમ કહેવું છે કે,
માર્ગ અને મકાન વિભાગ દ્વારા સે-૩માં ઘણા વખતથી અહીં પ્લોટીંગ બહાર પાડયા છે આ
પ્લોટના માલિક દ્વારા વનવિભાગને ચાર મહિના પહેલા આ વૃક્ષ નડતું હોવા અંગે લેખિતમાં
અરજી કરી હતી જેનું ચલણ ભર્યા બાદ આ વૃક્ષ કાપવામાં આવ્યું છે. તો બીજીબાજુ
પ્રકૃતિ પ્રેમીઓનું કહેવું છે કે,
પ્લોટથી વૃક્ષ દૂર હોવા છતા લાગવગ અને દબાણને પગલે આ વૃક્ષ કાપવાની હિન
પ્રવૃત્તિ વનવિભાગ દ્વારા કરવામાં આવી છે.
ફક્ત ૧,૬૭૬
રૃપિયામાં ઘટાદાર ફળાઉ આંબાનું વૃક્ષ કાપી નાંખ્યું…ં
ગાંધીનગરના સેક્ટર-૩ડીમાં
પ્લોટીંગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યા બાદ આ પ્લાટીંગની જગ્યાએ
માલિક દ્વારા મકાન બનાવવાનું હોવાથી નડતરરૃપ આંબાનું વૃક્ષ કાપવા માટે વનવિભાગને
અરજી કરી હતી જેના જવાબમાં વનવિભાગ દ્વારા બેંકના ચલણથી રૃપિયા ભરાવ્યા હતા. કુલ ૧,૬૭૬ રૃપિયાનું ચલણ ભરવાની
સાથે વનવિભાગ દ્વારા આ ઘટાદાર અને ફળાઉ ૧૦૦ વર્ષ જુના આંબાના વૃક્ષને કાપવાની વિધી
રજાના દિવસે હાથ ધરી હતી. જેના પગલે પ્રકૃતિ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.
વનવિભાગ કોઇ પણ નડતરરૃપ સો વર્ષ જુના અને ફળાઉ-ઘટાદાર વૃક્ષની કિંમત ફક્ત ૧૬૭૬
રૃપિયાં આંકે છે જે ખુબ જ દુઃખની બાબત છે. વનવિભાગ જ વૃક્ષની કિંમત સમજતું નથી તો
સામાન્ય લોકોને વૃક્ષ વાવવા અને તેનું જનત કરવા કઇ રીતે સમજાવવા તે પ્રકૃતિ
પ્રેમીઓ માટે મોટો સવાલ છે.










