![]()
મુંબઈ : માર્ચમાં ૧૪ મહિનાની નીચી સપાટીએ રહ્યા બાદ ભારતની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ એપ્રિલમાં રિકવર થઈને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. નવા ઓર્ડરમાં વધારો થતા સેવા પ્રવૃત્તિમાં વધારો થયો છે. એપ્રિલનો એચએસબીસી ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે માર્ચમાં ૫૭.૫૦ હતો તે એપ્રિલમાં વધી ૫૮.૮૦ રહ્યો છે.
નવેમ્બર, ૨૦૨૫માં ૫૯.૮૦ રહ્યા બાદ એપ્રિલનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ ઊંચો રહેવા પામ્યો છે.
ઈ-કોમર્સ તરફથી મજબૂત માગ અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે ઘરેલુ પૂરવઠેદારો તરફ બદલાવને કારણે પરિવહન સેવામાં વધારો થયો હતો. યુદ્ધને કારણે નિકાસ મંદ પડી હતી અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી હતી.
પીએમઆઈ તૈયાર કરવા માટેના સર્વેમાં ભાગ લેનારાઓના મત મુજબ, સ્પર્ધાત્મક ભાવ, ઈકોમર્સ તથા ખાસ કરીને રીલોકેશન માટે મજબૂત ગ્રાહક માગ અને લોજિસ્ટિક સેવાઓએ વેચાણ વૃદ્ધિને ટેકો આપ્યો હતો.
૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
નવા નિકાસ ઓર્ડર નબળા રહ્યા હતા પરંતુ ઘરઆંગણે નવા ઓર્ડર મજબૂત રહ્યા હતા જે સેવા માટેની માગ વિદેશની બજાર કરતા ઘરઆંગણેની બજાર તરફ વળી રહી હોવાનું સૂચવે છે. ઈરાન યુદ્ધને કારણે વિદેશની બજારમાં માગ પર અસર પડી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
નવા ઓર્ડરની માત્રા પણ વધી પાંચ મહિનાની ટોચે રહી હતી. સેવા ક્ષેત્રમાં પરિવહન, માહિતી તથા સંદેશવ્યવહાર ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો હતો.
ન્યુ એકસપોર્ટ બિઝનેસ ઈન્ડેકસ ગયા મહિને પાંચ પોઈન્ટથી વધુ ઘટી એક વર્ષમાં બીજી નીચી સપાટીએ રહ્યો હતો. મધ્ય પૂર્વમાં યુદ્ધ તથા વિદેશી પ્રવાસીઓની નબળી સંખ્યાને કારણે ઈન્ડેકસ નબળો રહેવા પામ્યો હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
સેવા ક્ષેત્રની કંપનીઓએ કામકાજ પાછળના ખર્ચમાં વધારો થયો હોવાનો પણ દાવો કર્યો છે. ગેસ તથા લેબર કોસ્ટમાં વધારો થવા પામ્યો હતો.
નવા નાણાં વર્ષના પ્રારંભિક મહિનામાં જ કંપનીઓએ કર્મચારીઓની ભરતી વધારી હતી. નવા બિઝનેસ વોલ્યુમમાં વધારો થતાં કામચલાઉ કર્મચારીઓની માગ વધી હતી.








