![]()
Rajkot News: ગુજરાતના રાજકારણમાં આજે ‘બિનહરીફ’ થવાનો અને ‘પક્ષપલ્ટા’નો જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, તેને નેતાઓ પોતાની સિદ્ધિ ગણાવે છે. પરંતુ, બરાબર 45 વર્ષ પહેલા રાજકોટની ધરતી પર લોકશાહીના મૂલ્યો બચાવવા માટે એક એવી લડાઈ લડવામાં આવી હતી, જેણે દિલ્હી સુધીના નેતાઓને રાજકોટ દોડી આવવા મજબૂર કર્યા હતા. આ વાત છે જનસંઘના પાયાના નેતા સ્વ. ચીમનભાઈ શુક્લના એ ઐતિહાસિક 21 દિવસના ઉપવાસની.
1981નો એ કિસ્સો જ્યારે એક પક્ષપલ્ટાએ સત્તા પલટી નાખી
વર્ષ 1981માં રાજકોટ મહાપાલિકામાં ભારે રસાકસી હતી. ભાજપ પાસે 26 અને કોંગ્રેસ પાસે 25 બેઠકો હતી. માત્ર એક બેઠકની સરસાઈથી ભાજપ સત્તા પર હતું. તે સમયે વોર્ડ નં. 8 (ભક્તિનગર સર્કલ વિસ્તાર) ના ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોનપાલે પક્ષપલ્ટો કરતા સત્તા કોંગ્રેસના હાથમાં જતી રહી. આજના યુગમાં આ સામાન્ય ઘટના લાગે, પણ ત્યારે આ લોકશાહી પર પ્રહાર ગણાયો હતો.
ચીમનભાઈ શુક્લના 21 દિવસના ઉપવાસ અને રાષ્ટ્રીય પડઘા
પક્ષપલ્ટાના આ કૃત્ય સામે જનસંઘનો પાયો નાખનાર સ્વ. ચીમનભાઈ શુક્લ મેદાને પડ્યા. તેમણે કેશુભાઈ પટેલ, અરવિંદ મણિયાર અને સૂર્યકાંત આચાર્ય જેવા દિગ્ગજો સાથે પરામર્શ કરી રાજકોટના ત્રિકોણબાગ ખાતે ‘તપોભૂમિ’ છાવણી ઉભી કરી અને 21 દિવસના ઉપવાસ કર્યા. આ આંદોલન એટલું ઉગ્ર બન્યું કે લાલકૃષ્ણ અડવાણી સહિતના રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ આવ્યા. અંતે તત્કાલીન શાસક કોંગ્રેસ સરકારને નમવું પડ્યું. સમાધાન મુજબ ત્રણેય કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા અને પેટાચૂંટણી યોજાઈ.
આ પણ વાંચો: રશિયાએ 11 દેશોની હિટલિસ્ટ જાહેર કરી, ‘ચાલાક’ મુસ્લિમ દેશ પણ સામેલ, દુનિયાભરમાં હડકંપ
જનતાનો ચુકાદો પક્ષપલ્ટુઓને મળ્યો હતો કારમો પરાજય
રસપ્રદ વાત એ છે કે, ત્યારે રાજ્યમાં અને કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હોવા છતાં, જ્યારે પેટાચૂંટણી યોજાઈ ત્યારે જનતાએ પક્ષપલ્ટો કરનારા ઉમેદવારોને સ્વીકાર્યા નહીં. કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોનો પરાજય થયો અને ભાજપે ફરી ગૌરવભેર સત્તા હાંસલ કરી. આ ઘટના બાદ જ દેશમાં પક્ષાંતર વિરોધી કાયદો લાવવાની દિશામાં મજબૂત પાયો નંખાયો હતો.
આજની સ્થિતિએ સિદ્ધિ કે શરમ?
આગામી 26 તારીખે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં 700થી વધુ બેઠકો બિનહરીફ થઈ છે. આજના નેતાઓ આને ગૌરવ ગણાવે છે, પણ વિશ્લેષકો તેને મતાધિકાર છીનવાઈ જવાની ઘટના તરીકે જોઈ રહ્યા છે. જે પક્ષપલ્ટાનો ભાજપ એક સમયે વિરોધ કરતું હતું, આજે તે જ રસ્તે સત્તા મેળવવી એ આજના રાજકારણની વરવી વાસ્તવિકતા બની ગઈ છે. “કાયદો એવો હોવો જોઈએ કે પક્ષપલ્ટુ વ્યક્તિ ફરી ચૂંટણી જ ન લડી શકે.” – આ આક્રોશ આજે પણ એ સમયના યુવા નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.










