India-Pakistan Tension: પહલગામ આતંકી હુમલા બાદ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપતાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. પાકિસ્તાને ઓપરેશન સિંદૂર મુદ્દે અનેકવખત જૂઠાણું ચલાવ્યું હતું. પરંતુ તેના આ જૂઠાણાંનો પર્દાફાશ તેના જ ડોઝિયરે કર્યો છે. પાકિસ્તાનના ડોઝિયરે જ જણાવી દીધુ કે, ભારતે પાકિસ્તાનની અંદર સુધી જવાબી કાર્યવાહી કરી હતી. તેણે પાકિસ્તાનમાં 20 નહીં પણ 28 સ્થળોએ હુમલા કર્યા હતાં.
ભારતીય સેનાએ પ્રેસ બ્રિફિંગમાં પાકિસ્તાનમાં હાથ ધરાયેલી જવાબી કાર્યવાહીમાં સ્થળોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ ડોઝિયરમાં તેનો ખુલાસો થયો છે કે, ભારતે પેશાવર, સિંધ, ઝાંગ, ગુજરાંવાલા, ભવાલનગર, અને છોર સહિત અનેક સ્થળોએ નુકસાન પહોંચાડ્યું હતું.
પાકિસ્તાનના અનેક એરબેઝ નષ્ટ
ભારતે પાકિસ્તાની સેનાના અનેક એરબેઝ પર હુમલા કર્યા હતાં. તેણે નૂર ખાન, રફીકી, મુરીદકે, સુકરૂર, સિયાલકોટ, પસરૂર, ચુનિયાન, અને સરગોધા સહિત કુલ 11 એરબેઝ પર હુમલા કર્યા હતાં. મેક્સાર ટેક્નોલોજીસે પણ હુમલાથી થયેલા નુકસાનની સેટેલાઈટ ઈમેજ રજૂ કરી હતી. જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાનો ખુલાસો થયો છે.
પાકિસ્તાનના જૂઠાણાંનો ખુલાસો
પાકિસ્તાન વિશ્વભરમાં ઓપરેશન સિંદૂર વિશે જૂઠાણું ચલાવી રહ્યું છે. પરંતુ પાકિસ્તાની ડોઝિયરમાં આપવામાં આવેલા મેપએ તેનો પર્દાફાશ કર્યો છે. ભારતે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યા છે. પાકિસ્તાન અને POKમાં ભારતે જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ સેન્ટર સહિત નવ સ્થળો પર હુમલા કર્યા હતાં. 7 મેના રોજ હુમલો કરવામાં આવેલા અન્ય સ્થળોમાં મુઝફ્ફરાબાદ, કોટલી, રાવલકોટ, ચકસ્વરી, ભીમબર, નીલમ ખીણ, ઝેલમ અને ચકવાલ સામેલ હતાં. ભારતે પાકિસ્તાનના 11 એરબેઝને ટાર્ગેટ બનાવ્યા હતાં.
પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન
પહલગામ હુમલા બાદ પાકિસ્તાને LOC અને આતંરરાષ્ટ્રીય સરહદો પર સીઝફાયરનું ઉલ્લંઘન શરૂ કરતાં રોજ મોર્ટાર અને આર્ટિલરી ગન વડે ગોળીબાર કર્યા હતાં. 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી હાથ ધરતાં ભારતીય સેનાની છાવણીઓને ટાર્ગેટ બનાવી હતી. પરંતુ ભારતીય સેનાએ તેના તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા હતાં. 10 મે સુધી બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. બાદમાં સીઝફાયરને સહમતિ આપવામાં આવી હતી.