વારસિયામાં સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના મુદ્દે ઝઘડો થયો હતો. બીજા દિવસે સોસાયટીમાં રહેતા વેપારી દારૂનો નશો કરીને આવ્યા હતા અને ઝઘડો થતા તેમના પર પાડોશીએ ચાકૂથી હુમલો કર્યો હતો. જે અંગે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વારસિયા રીંગ રોડ શિવધારા સોસાયટીની બાજુમાં નારાયણધામ ડૂપ્લેક્સમાં રહેતા હરિશભાઇ ઘનશ્યામભાઇ મોતીયાણી જૂની કાચની બોટલોનો ધંધો કરે છે. સિટિ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 10મી તારીખે મારી પત્ની કલાવતીનો જન્મ દિવસ હોઇ હું સાંજે સાડા સાત વાગ્યે ઘરે આવી ગયો હતો. હું ઘરે આવ્યો ત્યારે મારી પત્ની સાથે પાડોશમાં રહેતા મહેન્દ્રભાઇની પત્ની ઝઘડો કરતા હતા. જેથી, હું મારી પત્નીને લઇને ઘરમાં જતો રહ્યો હતો. મારી પત્નીએ કહ્યું કે, નાના છોકરાઓ ક્રિકેટ રમતા હોઇ તે બાબતે ઝઘડો થયો હતો.
બીજે દિવસે રાતે આઠ વાગ્યે હું મારા ગોડાઉન પરથી ઘરે આવતો હતો. દરમિયાન સંજયનગર પાસે એક વ્યક્તિ પાસેથી બિયર લઇને પીધી હતી. ગઇકાલના ઝઘડાના કારણે ઉશ્કેરાઇને હું ખિસ્સામાં ચાકૂ લઇને સોસાયટીના બાકડા પર બેસેલા મહેન્દ્રભાઇ પાસે ગયો હતો. હું તેઓને સમજાવતો હતો. તે દરમિયાન ઝઘડો થતા મેં ખિસ્સામાં મૂકેલું ચપ્પુ બહાર કાઢ્યું હતું. મહેન્દ્રભાઇએ મારા હાથમાંથી ચપ્પુ છીનવી લઇ ઝપાઝપી કરી મને છાતીના ભાગે બે થી ત્રણ વખત ઇજા પહોંચાડી હતી. દરમિયાન લોકો ભેગા થઇ જતા મને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા.