IRCTC પર કોઈપણ ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરવી અઘરું કામ છે. પ્રવાસ ઈચ્છુક ભારતીયો દરરોજ સવારે 10 વાગ્યે તત્કાલ ટિકિટ બુક કરવા માટે ટાંપીને બેઠા હોય છે. શરૂઆતની ક્ષણોમાં સીટ દેખાય છે, પરંતુ પછી તરત જ વેબસાઈટ ફ્રીઝ થઈ જાય છે અને તે જ્યારે ફરી કામ કરતી થાય છે ત્યાં સુધીમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હોય છે. ટૂંકમાં, રેલવેની તત્કાલ સેવા સામાન્ય ભારતીય નાગરિક માટે સેવા નહીં, એક મજાક છે.
તત્કાલ સેવાના ત્રાસ વિશે તો અનેક મુસાફરો અવારનવાર બળાપો ઠાલવતા રહે છે. ઘણીવાર જાણીતી હસ્તીઓ પણ આ બાબતે હતાશા વ્યક્ત કરતી હોય છે. એવી એક હસ્તી છે ભારતની અગ્રણી હેલ્થકેર સેવા પ્રદાતા ‘થાયરોકેર’ના સ્થાપક ડૉ. એ. વેલુમની. એક્સ પર વાયરલ એક તસવીર શેર કરતા તેમણે તત્કાલ ટિકિટ બુક કરતી વખતે પડતી હાલાકીને ‘આઘાતજનક’ ગણાવીને રેલવેની સેવાને ‘વિશ્વાસઘાત’ સમાન ગણાવી હતી.
શું લખ્યું છે પોસ્ટમાં?
એ તસવીર-પોસ્ટમાં તત્કાલ બુકિંગની મિનિટ-દર-મિનિટની અંધાધૂંધીનો ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે કે, રેલવેની તત્કાલ બુકિંગ સેવા હાસ્યાસ્પદ છે. IRCTCની વેબસાઈટ પર 10 વાગ્યા સુધી બધું બરાબર લાગે છે, સીટો ઉપલબ્ધ બતાવે છે અને જેવી ઘડિયાળ 10નો કાંટો વટાવે ત્યાં તો વેબસાઈટ પડી ભાંગે છે. 10 વાગ્યાને ત્રણ મિનિટે બધી ટિકિટો વેચાઈ ગઈ હોવાનું દેખાડે છે અને 10 વાગ્યાને ચાર મિનિટથી વેબસાઈટ ફરી સરસ ચાલવા લાગે છે.
ડૉ. વેલુમનીએ વ્યવહારુ ઉકેલ સૂચવ્યો
આ વાતની ટીકા કરતા ડૉ. વેલુમનીએ વ્યવહારુ ઉકેલ પણ સૂચવ્યો છે. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું છે કે, ‘એક સમયે થાઈરોકેરને પણ સર્વર ઓવરલોડની સમાન સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મોંઘા સ્પેર સર્વર ઉમેરવાનું શક્ય ન હોવાથી, મારી ટીમે યુઝર્સ ઍક્સેસ મર્યાદિત કરીને એ સમસ્યાનો ઉકેલ લાવી દીધો. IRCTC એ પણ એવું કરવું જોઈએ. સવારે દસ વાગ્યે ટિકિટો બુક કરવા તૂટી પડતા લોકોને નાથવા માટે દર કલાકે ફક્ત થોડી ટ્રેનોની ટિકિટો બુક કરવાની જ મંજૂરી આપવી જોઈએ. આમ કરવાથી આપોઆપ લોકોનો ધસારો ઓછો થઈ જશે.’ આ પોસ્ટ તેમણે IRCTC ને પણ ટેગ કરી છે.
લોકોએ શું પ્રતિક્રિયા આપી?
સોશિયલ મીડિયા પર યુઝર્સે તત્કાલ બુકિંગની તુલના લોટરી સાથે કરી હતી, લાગી તો લાગી, નહીં તો કંઈ નહીં. અમુક લોકોએ લખ્યું હતું કે બુકિંગ એજન્ટો દ્વારા ઉપયોગમાં લેવાતી ઓટોમેટિક ટિકિટ બુકિંગ સિસ્ટમ તત્કાલ બુકિંગમાં વિલનની ભૂમિકા ભજવે છે. તેઓ ગણતરીની સેકન્ડોમાં ટિકિટો બુક કરી લે છે અને લોકો વેબસાઈટ હેન્ગ થઈ જતાં લટકી પડે છે. તો ઘણાં યુઝર્સનું કહેવું હતું કે, આ સમસ્યા સર્વર લોડ કરતાં વધુ ઊંડી છે; એમાં છટકબારીઓ છે અને અમુક વર્ગને ફાયદા થાય છે.
It is simple. When you enter your train number it can show “ tatkal booking” for this train starts at 13.00Hrs.
Make sure all trains are put in 10 buckets.
Server will have only 1/10th load.
Any Tech guy can code for it. https://t.co/JdiknlVvQS— Dr. A. Velumani.PhD. (@velumania) June 3, 2025
સર્વે શું કહે છે?
બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા એપ્રિલ અને મે 2025 વચ્ચે હાથ ધરાયેલા એક સર્વેનું તારણ કહે છે કે, મોટા ભાગના ભારતીય પ્રવાસીઓ માટે તત્કાલ ટ્રેન ટિકિટ મેળવવી એ નિરાશાજનક અનુભવ બની રહે છે. આ સર્વેમાં 396 જિલ્લામાં 55,000થી વધુ પ્રવાસીઓને આવરી લેવાયા હતા. આ સર્વેના તારણ નીચે મુજબ છે.
– ગયા વર્ષે ઓનલાઈન બુકિંગનો પ્રયાસ કરનારા 73 % લોકોએ કહ્યું હતું કે તત્કાલ ટિકિટ ખુલ્યાની પહેલી મિનિટમાં જ તેઓ વેઈટિંગ લિસ્ટમાં આવી ગયા હતા.
– છેલ્લા 12 મહિનામાં તત્કાલ બુકિંગનો પ્રયાસ કરનારા 18,851 લોકોમાંથી 29% લોકોએ કહ્યું હતું કે તેઓ ફક્ત 0-25 % સમય જ સફળ થયા હતા. અન્ય 29% લોકોએ કહ્યું હતું કે તેઓ ક્યારેય સફળ થયા નથી. વારંવાર ટિકિટ બુક કરનારાને પણ તેમના તમામ પ્રયાસો પૈકી માત્ર 10% પ્રયાસ દરમિયાન જ ટિકિટ મળી હતી.
– સર્વેમાં સામેલ થયેલા લોકોમાંથી માત્ર 40 % લોકોએ જ માન્યું હતું કે નિયમિત ઓનલાઈન પ્રક્રિયા તત્કાલ ટિકિટ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે, જ્યારે 30% થી વધુ લોકોએ સ્વીકાર્યું કે તેના બદલે ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરવો.
– અમુક લોકોએ કહ્યું હતું કે તેમણે તત્કાલ ટિકિટ મેળવવા માટે બહુવિધ ઉપકરણોનો ઉપયોગ કરવાનો, રેલ્વે સ્ટાફનો સંપર્ક કરવાનો અથવા સાંસદોનો સંપર્ક કરવાનો પણ આશરો લીધો હતો.