Parliament Monsoon Session 2025: સંસદનું ચોમાસું સત્ર આવતા મહિનાની 21 ઓગસ્ટ સુધી આયોજિત કરવામાં આવશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ બુધવારે (4 જૂન) આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ‘સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળી સંસદીય બાબતોની કેબિનેટ સમિતિએ આ તારીખની ભલામણ કરી છે અને તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી છે.’
વિપક્ષની વિશેષ સત્રની માંગ
ચોમાસું સત્રની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે વિપક્ષી પાર્ટીના નેતાઓ પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજનું 6 જૂને કાશ્મીરમાં લોકાર્પણ, ભૂકંપ પણ સહન કરી શકશે
તમામ મુદ્દા પર ચર્ચા કરી શકાશે
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુને વિપક્ષની આ માંગ વિશે પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે, ‘ચોમાસું સત્રમાં નિયમો હેઠળ તમામ મુદ્દા પર ચર્ચા કરી શકાય છે. સંસદના બંને ગૃહનું સત્ર ત્રણ મહિનાથી વધુ સમયના અંતરાળ બાદ 21 જુલાઈએ સવારે 11 વાગ્યે બોલાવવામાં આવશે.’
ઈન્ડિયા ગઠબંધને વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી
જણાવી દઈએ કે, પહલગામમાં થયેલા આતંકી હુમલા અને ત્યારબાદ કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર બાદ આ પહેલું સંસદ સત્ર હશે. માનવામાં આવી રહ્યું છે કે, સત્રમાં હોબાળો થઈ શકે છે, કારણકે વિપક્ષી પાર્ટી પહલગામ હુમલા પર ચર્ચા કરવા માટે પહેલાંથી જ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી રહ્યા છે. એક દિવસ પહેલાં જ INDIA ગઠબંધનની 16 પાર્ટીએ વડાપ્રધાન મોદીને આ વિશે ચિઠ્ઠી લખી છે.
આ પણ વાંચોઃ દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર…’ CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ એક્સ પર પોસ્ટ કરી હતી કે, ‘અમે ઈન્ડિયા અલાયન્સના નેતા, 22 એપ્રિલ, 2025ના દિવસે પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદના ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે અમારી સામૂહિક અને તત્કાલ વિનંતીનું પુનરાવર્તન કરીએ છીએ.’ તેમણે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સહિત અન્ય પ્રમુખ વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા સહી કરવામાં આવેલા પત્રને પણ ટાંક્યો હતો.