– યુપીમાં પ્રેમી સાથે મળી પતિની હત્યાની વધુ એક ઘટના
– છત્તીસગઢમાં મજૂરી કરતી પત્નીના અન્ય સાથે સંબંધની જાણ થતા પતિએ પથ્થરેથી કચડીને મારી નાખી
લખનઉ : ઉત્તર પ્રદેશના મેરઠમાં પતિની પત્ની અને તેના પ્રેમી દ્વારા ઘાતકી હત્યાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે આ જ પ્રકારની ઘટના ઔરેયામાં સામે આવી છે, જ્યાં લગ્નના ૧૫ જ દિવસમાં પત્નીએ પતિની હત્યા કરાવી નાખી હતી. આ હત્યાને અંજામ આપવા માટે પણ મેરઠની મુસ્કાનની જેમ હત્યારી પત્નીએ પ્રેમીનો સહારો લીધો હતો.
સમગ્ર મામલો ઔરૈયા જિલ્લાના સહાર વિસ્તારનો છે, અહીંયા ૧૯ માર્ચના રોજ પોલીસને ખેતરમાંથી એક યુવક ઘાયલ અવસ્થામાં મળ્યો હતો, જેનુ બાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરી તો હત્યાકાંડમાં પત્ની અને તેના પ્રેમીનું નામ ખુલ્યું હતું. પ્રેમી સાથે સંબંધોને કારણે પતિને રસ્તામાંથી હટાવવા માટે હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
મૃતક દિલીપ યાદવ ક્રેઇન જેવા હેવી મશિન ચલાવવાનું કામ કરતો હતો, બન્ને વચ્ચે આ જ મહિને પાંચ તારીખે લગ્ન થયા હતા. તેની પત્નીનું નામ પ્રગતિ છે, જેનો સંબંધ ગામના જ યુવક અનુરાગ યાદવ સાથે હતો, પ્રગતિએ પોતાની મરજી વિરુદ્ધ દિલીપ સાથે લગ્ન કર્યા હતા, લગ્ન બાદ તે પ્રેમી અનુરાગને મળી નહોતી શકતી. જેને પગલે બન્નેએ મળીને એક સોપારી કિલર રામજી નાગરનો સંપર્ક કર્યો હતો અને બે લાખ રૂપિયા આપી દિલીપની હત્યાની સોપારી હતી. બાદમાં દિલીપને ખેતરમાં બોલાવાયો જ્યાં તેની હત્યા કરાઇ હતી.
દરમિયાન છત્તીસગઢના કોરબામાં એક મહિલાની તેના પતિએ ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી, આ મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની જાણ થયા બાદ રોષે ભરાયેલા પતિએ તેની હત્યા કરી નાખી હતી. મહિલા પતિને છોડીને ભાડાના મકાનમાં એકલી રહેતી હતી અને મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી, તેના ઘરે અન્ય એક પુરૂષ આવતો હોવાની જાણ પતિને થતા તે એક દિવસ ઘરે પહોંચ્યો હતો અને પત્નીની પથ્થર મારીને હત્યા કરી નાખી હતી.