– 3 કાયમીના બદલે એક જ કરાર આધારિત તબીબ
– ડૉક્ટરના અભાવે પ્રસૂતિ કે ઈમરજન્સી માટે ગ્રામ્ય વિસ્તારના લોકો અન્ય હોસ્પિટલમાં જવા મજબૂર
નડિયાદ : વસો તાલુકા મથક ખાતે લગભગ રૂા. ૨.૫૦ કરોડથી વધુના ખર્ચે બનેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. અહીં ત્રણ કાયમી તબીબોની જગ્યાએ માત્ર એક જ કરાર આધારિત તબીબ ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પ્રસૂતિ અને ઈમરજન્સી સેવા માટે ગામડાંના લોકો અન્ય હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે.
વસો તાલુકો જાહેર થયા બાદ તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા સરકાર દ્વારા રૂપિયા ૨.૫૦ કરોડથી વધુના ખર્ચે ૩૦ બેડ ધરાવતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.
જેનું તત્કાલીન નાયબ મુખ્યમંત્રીના હસ્તે તા. ૨૩-૧૨-૨૦૧૯ના રોજ લોકાર્પણ કરાયું હતું. આરોગ્ય કેન્દ્રમાં દરરોજ ૭૦ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. પરંતુ, અહીં ત્રણ કાયમી તબીબોની જગ્યાએ માત્ર એક કરાર આધારિત મેડિકલ ઓફિસર જ સેવા આપી રહ્યા છે.
ગાયનેક ડૉક્ટરની જગ્યા પણ ખાલી છે. કાયમી બાળ રોગ નિષ્ણાતને બદલે માનદ પિડિયાટ્રીક્સ સપ્તાહમાં અમુક ચોક્કસ દિવસે આવે છે. સીએચસીમાં કાયમી એમબીબીએસ ડૉક્ટર જ નથી. આરોગ્ય કેન્દ્રોમાં ૨૪ કલાક સેવાઓ મળી રહેશેની સરકાર ગુલબાંગ પોકારે છે. ત્યારે અહીં રાત્રે માત્ર નર્સિંગ સ્ટાફ હોય છે. રાતે પ્રસૂતિ કે ઈમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જવાનું કહેતા આરોગ્ય કર્મચારીઓ અને દર્દીઓ વચ્ચે વારંવાર ઘર્ષણના બનાવ બને છે. ત્યારે વસો સીએચસી લોકો માટે શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એડિકલ ઓફિસર, ગાયનેક, પિડિયાટ્રીક્સ સર્જન સહિતના નિષ્ણાંત તબીબોની નિમણૂક કરવા માંગણી ઉઠી છે. ડૉક્ટરના અભાવે ગ્રામ્ય વિસ્તારના લોકો આરોગ્ય સેવાઓથી વંચિત રહેતા આક્રોશ ફેલાયો છે.
જરૂરી તબીબોની નિમણૂક કરવા રજૂઆત કરી છે : તાલુકા આરોગ્ય અધિકારી
વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રાતે ઈમર્જન્સી સેવા ન મળતી હોવા અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રોહિત રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં માત્ર એક જ મેડિકલ ઓફિસર હોવાથી તેમની સાંજે ફરજ પૂરી થતી હોય છે. જેથી જરૂરી તબીબોની નિમણૂક કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.