મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયાસામે ડોલરના ભાવ વધતા અટકી ઝડપી ઘટતાં રૂપિયામાં ધોવાણ અટકી રૂપિયો ફરી ઉંચકાયો હતો. શેરબજારમાં મંદી અટકી ફરી તેજી આવતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધતા અટકી ઘટાડા પર રહેતાં કરન્સી બજારમાં આજે રૂપિયા પર પોઝીટીવ ઈમ્પેકટ દેખાઈ હતી.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૮૬.૭૬ વાળા સવારે રૂ.૮૬.૧૧ ખુલ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૮૬.૨૭ થયા પછી નીચામાં ભાવ રૂ.૮૫.૯૧ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૯૭ રહ્યા હતા. ડોલરના ભાવ આ જે ૭૯ પૈસા તૂટી જતાં ડોલર સામે રૂપિયો ૦.૯૧ ટકા ઉછળ્યો હતો.
રૂપિયામાં આવે એક દિવસીય તીવ્ર ઉછાળો આ પૂર્વે ૨૩મી મેના રોજ નોંધાયો હતો. જો કે આવો યુદ્ધ વિરામ ટકે છે કે નહિં તે વિશે બજારમાં ચર્ચા ચાલી રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ૦.૪૩ ટકા ઘટી નીચામાં આ ઈન્ડેક્સ ૯૭.૯૩ થઈ ૯૭.૯૯ રહ્યાના સમાચાર હતા.
મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૮૯ પૈસા ઉછળ્યા હતા. પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૧૬.૭૩ થઈ છેલ્લે ભાવ રૂ.૧૧૭.૦૧ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૨૮ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૦.૧૫ થઈ છેલ્લે ભાવ રૂ.૯૯.૮૨ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૮૩ ટકા ગબડી હતી. અમેરિકન ડોલર ઈન્ડેક્સમાં સટ્ટારૂપી તેજીવાળાની પોઝીશન ઘટી છ મહિનાના તળિયે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઝડપી તૂટી જતાં ભારતમાં વેપાર ખાધ કાબુમાં આવવાની તથા ઈંમ્પોર્ટ બિલ વધતું અટકી ઘટાડા પર રહેવાની ગણતરી વચ્ચે રૂપિયો આજે સ્પ્રિંગની જેમ ઉછળ્યો હતો.
બિટકોઈન ઉછળીને ૧,૦૫,૦૦૦ ડોલર
ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના અહેવાલને પગલે ક્રિપ્ટોકરન્સીસ બજારમાં વોલેટિલિટી જોવા મળી હતી. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ છેલ્લા ચોવીસ કલાકમાં ફરી ૧,૦૫,૦૦૦ ડોલરની સપાટીને પાર કરી ગયો હતો. ગયા સપ્તાહમાં બિટકોઈનમાં જોવા મળેલુ ધોવાણ આ ઉછાળાને પગલે ભરપાઈ થઈ શકયુ હતું.
ગયા સપ્તાહના અંતે બિટકોઈન ૧,૦૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો. બિટકોઈનમાં આવેલા ઉછાળાથી જોખમી એસેટસમાં રોકાણકારોના વિશ્વાસમાં ફરી વધારો થયો હતો. ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ક્રિપ્ટો કરન્સીસ બજાર પર ગયા સપ્તાહે પ્રતિકૂળ અસર જોવા મળી હતી.
જોકે યુદ્ધવિરામના અહેવાલ બાદ છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન ઉપરાંત અન્ય ક્રિપ્ટોસ જેમ કે એકસઆરપી, સોલાના, એથરમના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ભાવમાં અચાનક રિબાઉન્ડને પરિણામે બિટકોઈનમાં ૧૬.૧૦ કરોડ ડોલરના વેચાણને લિક્વિડેટ કરાયું હતું જ્યારે એથરમમાં ૧૪ કરોડ ડોલરનું વેચાણ ફરજિયાત કાપી નંખાયુ હતું.