મુંબઈ : દેશભરમાં ચોમાસુ જામવા સાથે ખરીફ વાવેતરની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ૨૦ જૂનના સમાપ્ત થયેલા સપ્તાહમાં એકંદર ખરીફ વાવણી ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૦ ટકા વધુ રહી છે.
૨૦ જૂન સુધીમાં એકંદર ૧.૩૭ કરોડ હેકટર વિસ્તાર પર ખરીફ વાવણી પૂરી થયાનું કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટામાં જણાવાયું હતું.ગયા વર્ષના ૨૦ જૂન સુધીમાં ૧.૨૪ કરોડ હેકટર વિસ્તાર પર ખરીફ વાવણી પૂરી થઈ હતી.
મુખ્ય ખરીફ પાક ડાંગરનું વાવેતર ગયા વર્ષના ૨૦ જૂનની સરખામણીએ ૫૯ ટકા વધી ૧૦.૩૨ લાખ હેકટર રહ્યું છે. કપાસનું વાવેતર ૭.૨૦ ટકા વધી ૩૧.૨૦ લાખ ટન રહ્યું છે. શેરડીનો વાવણી વિસ્તાર ૫૫ લાખ ટન જ્યારે મકાઈનું વાવેતર ૧૯.૪૦ ટકા વધી ૧૨.૩૦ લાખ હેકટર રહ્યાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.
સામાન્ય રીતે ખરીફ વાવણી૧૦.૯૮ કરોડ હેકટર વિસ્તાર પર થાય છે. મેના પાછલા સપ્તાહમાં દેશના અનેક રાજ્યોમાં ચોમાસુ વહેલુ બેસી જવા સાથે ખરીફ કામગીરી માટે સ્થિતિ સાનુકૂળ બની ગઈ છે. અન્ય પાકોની સરખામણીએ તેલીબિયાંનું વાવેતર હાલમાં ઘટમાં ચાલી રહ્યું છે.
મગફળી તથા સોયાબીનની વાવણી મંદ ગતિએ ચાલી રહી છે, પરંતુ આવનારા દિવસોમાં તેમાં ઝડપ જોવા મળવાની કૃષિ મંત્રાલયના સુત્રોએ અપેક્ષા વ્યકત કરી હતી. જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ ફરી સક્રીય બન્યાના અહેવાલો છે.