મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને ઝુંકાવવાના અને ખાસ રશીયા તથા ચીનનું વિશ્વ પરનું આધિપત્ય સ્થાપાતું અટકાવવાના અંતિમ પ્રયાસો કરી રહ્યા છે. યુક્રેન મોરચે લડવા રશીયાને જરૂરી નાણાકીય મજબૂતી ભારત અને ચાઈના ઈંધણ-ક્રુડ ખરીદી કરતાં રહીને પૂરા પાડી રહ્યાનું ગાણું ગાતા રહેતા ટ્રમ્પ ભારતને આકરી ટેરિફની ચીમકી ફરી યુ.એન.ના મંચ પરથી આપીને વિશ્વ પર ટ્રેડ યુદ્વ બાદ હવે ત્રીજું વિશ્વ યુદ્વ થવાનો ડર બતાવી રહ્યા છે. ટેરિફ બોમ્બથી વિશ્વને હજુ હેરાન કરતાં રહેશે એવી ચેતવણી અવારનવાર ઉચ્ચારતા રહેનાર ટ્રમ્પે ભારતીય કંપનીઓને ખાસ આઈટી કંપનીઓને ફટકો પડી શકે એવા એચ૧બી વીઝા વનટાઈમ એક લાખ ડોલરની ફી લાદીને અને આ એચ૧ બી વીઝાની લોટરી બંધ કરવાનું નિવેદન કર્યા બાદ વિશ્વના હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગને ફટકો મારવા દવાઓની આયાત પર ૧૦૦ ટકા ટેરિફ ઝિંકીને અમેરિકામાં ઉત્પાદન કરવાની ફરજ પાડી છે. અલબત હાલ તુરત અમેરિકામાં ફાર્મા કંપનીઓ માટે મેન્યુફેકચરીંગ સવલતો સ્થાપવાનું કેટલું વ્યવહારૂ છે અને એનાથી અમેરિકનોને સસ્તી દવા મળી શકશે કે એ મામલે અનિશ્ચિતતા છે. ભારતીય ફાર્મા ઉદ્યોગને અસર પડશે એ નક્કી છે, પરંતુ મર્યાદિત પડશે કે પછી વધારે પડશે એ આવનારો સમય કહેશે. હાલ તુરત ટ્રમ્પે ભારતીય શેર બજારોનું સેન્ટીમેન્ટ ડહોળી નાખ્યું છે, એ નક્કી છે. છેલ્લા છ ટ્રેડિંગ દિવસમાં ભારતીય શેર બજારોમાં સતત ઘટાડો અને જાતેજાત શેરોમાં પડેલા ગાબડાંથી અનેક રોકાણકારોના પોર્ટફોલિયો ડામાડોળ બની ગયા છે. પરિસ્થિતિ ક્યારે અને કઈ રીતે ઉકેલાશે એ હજુ અનિશ્ચિત છે. ભારત હવે અમેરિકા સાથે ટ્રેડ ડિલ કરે છે કે પછી કોકડું ગૂંચવાયેલું રહેશે એના પર આગામી દિવસોમાં બજારની ચાલ નક્કી થશે. જેથી અનિશ્ચિતતાના આ દિવસોમાં અફડાતફડીનો ફંગોળાતો ટ્રેન્ડ જોવાય એવી શકયતા વધુ છે. બીજી ઓકટોબર ૨૦૨૫ના ગુરૂવારે મહાત્મા ગાંધી જયંતી અને દશેરા નિમિતે શેર બજારો બંધ રહેશે. જેથી સ્થાનિક અને વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી ચાર ટ્રેડિંગ દિવસના નવા સપ્તાહમાં સેન્સેક્સ ૭૯૬૨૨થી ૮૧૨૨૨ વચ્ચે અને નિફટી સ્પોટ ૨૪૪૧૧થી ૨૪૯૧૧ વચ્ચે અથડાતો જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : VOITH PAPER FABRICS INDIA LTD.
માત્ર બીએસઈ(૫૨૨૧૨૨) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૧૦૦ ટકા દેવા-ડેટ ફ્રી, વોઈથ પેપર ફેબ્રિક્સ લિમિટેડ(VOITH PAPER FABRICS INDIA LTD.), QMS (9001:2015), EMS (14001:2015), OHSAS (45001:2018), Certified, VP Auslandsbeteiligungen GmbHની પેટા કંપની વોઈથ ગુ્રપ ઓફ કંપનીઝ-જર્મની સાથે સંબંધિત છે. આ ગુ્રપ સમગ્ર વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે અને હાલમાં તેના ચાર ડિવિઝનો- જેમ કે, વોઈથ હાઈડ્રો, વોઈથ પેપર, વોઈથ ટર્બો અને વોઈથ ડિજિટલ સોલ્યુશન્સ દ્વારા કાર્યરત છે. વોઈથ ગુ્રપની સ્થાપના વર્ષ ૧૮૬૭માં થઈ હતી અને તે યુરોપમાં એક મુખ્ય પરિવાર-માલિકીનું ઈન્ડસ્ટ્રીયલ સમુહ છે. વોઈથ ગુ્રપનું મુખ્ય મથક જર્મનીના હેડનહેમમાં સ્થિત છે. વોઈથ પેપર ફેબ્રિક્સ ઈન્ડિયા લિમિટેડને ભારતમાં ૧૯૬૮માં પોરીઝ એન્ડ સ્પેન્સર યુ.કે. દ્વારા શરૂ કરાઈ હતી અને ત્યાર બાદ યુ.કે.ના સ્કેપા ગુ્રપનો ભાગ બની હતી. વર્ષ ૧૯૯માં વોઈથ ગુ્રપે કંપનીમાં મોટો હિસ્સો હસ્તગત કર્યો હતો. કંપનીએ વર્ષ ૨૦૦૭માં તેનું નામ પોરીસ એન્ડ સ્પેન્સર (એશિયા) લિમિટેડથી બદલીને વોઈથ પેપર ફેબ્રિક્સ ઈન્ડિયા લિમિટેડ રાખ્યું હતું.
કંપનીએ શરૂઆતમાં સ્કેપાના ટેકનિકલ સપોર્ટ સાથે પલ્પ, પેપર અને બોર્ડ ઉદ્યોગ માટે વૂલન અને કંપની ડ્રાયર્સના ઉત્પાદનથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને હવે તે વોઈથ ગુ્રપના સપોર્ટ સાથે પોતાના કાર્યો કરે છે. કંપનીએ મુખ્ય વ્યવસાય તરીકે પેપરના મશીનો પર ઉપયોગ માટે ફેબ્રિક્સની શ્રેણીનો વિસ્તાર કર્યો છે. મુખ્ય ક્ષમતાના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને, કંપનીએ તેના ઉત્પાદનોને અપગ્રેડ કરવાનું ચાલુ રાખ્યું છે. આજે ધ્યાન પેપર મશીન ફેબ્રિક્સ (પીએમસી), ફાઈબર-સિમેન્ટ શીટ બનાવવાના ફેલ્ટ અને હાઈ-ટેક ટેક્સલ પ્રોસેસિંગ ફેલ્ટ પર છે. ફોર્મિંગ ફેબ્રિક વ્યવસાયમાં પ્રવેશ સાથે, હાલમાં કંપની પેપર ઉત્પાદકોને મશીન ફેબ્રિક્સની સંપૂર્ણ શ્રેણી પૂરી પાડવાની સ્થિતિમાં એકમાત્ર ભારતીય ઉત્પાદક છે. એક વિશ્વસનીય સપ્લાયર તરીકે પ્રતિષ્ઠા ધરાવતી કંપની ઉત્તર ભારતના સ્થાપિત ઔદ્યોગિક નગરોમાં એક સ્થિત છે, જે ભારત અને વિદેશમાં ગ્રાહકોને સર્વિસ પૂરી પાડે છે. કંપનીની વાસ્તવિક તાકાત તેના લોકોની ટીમ અને કંપનીના ઉત્પાદનોમાં મૂલ્ય ઉમેરવા માટે સાથે મળીને કામ કરતા માત્ર-પરીક્ષણ કરાયેલ વિક્રેતાઓના સમૂહમાં રહેલી છે.
મેન્યુફેકચરીંગ : કંપનીની ઉત્પાદન પ્રવૃતિઓ આધુનિક મશીનો પર વૈજ્ઞાાનિ રીતે આયોજિત રીતે હાથ ધરવામાં આવે છે. ઉત્પાદન પ્રવૃતિઓમાં કાચામાલ, મેન્યુફેકચરીંગ મશીનરી અને પ્રોસેસ કંટ્રોલ અને ઉર્જા સંરક્ષણનો સમાવેશ થાય છે. ટેકનોલોજીકલ ફેરફાર, અપગ્રેડેશન અને કેલિબ્રેશન માટે મશીનરી અને કંટ્રોલ ઉપકરણોની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવે છે, જે તમામ જરૂરી વિવિધતાઓ અને પરિમાણોના કાપડનું ઉત્પાદન કરી શકે છે. ફાઈબર-લોકિંગ પ્રક્રિયા તકનીકી રીતે અદ્યતન મશીનો પર હાથ ધરવામાં આવે છે, જે ઈચ્છિત લાક્ષણિકતાઓ પ્રાપ્ત કરવા માટે બેઝ ફેબ્રિક્સ સાથે ફાઈબર સ્તરોનું યોગ્ય લોકિંગ સુનિશ્ચિત કરે છે. પીએલસી નિયંત્રિત ચોકસાઈ સીમિંગ-હેડ્સ પર સીમિંગ સેકંડ ફોર્મિંગ અને ડ્રાયર એપ્લિકેશન્સ માટે વિશાળ શ્રેણીના કાપડનું ઉત્પાદન કરવા માટે ઉપલબ્ધ છે. હીટ સેટિંગ, સરફેસ ટ્રીટમેન્ટ અને ઉત્પાદનોની ફિનિશિંગ જેવા ઈક્વિપમેન્ટ પર કરવામાં આવે છે, જે હેતુ માટે બનાવેલ છે. આ ક્ષેત્રમાં અગ્રણી હોવાથી મોનો લિંક ફેબ્રિક્સ ચોક્કસ રીતે નિયંત્રિત સુવિધામાં બનાવવામાં આવે છે.
રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ : કંપની ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સુવિધાઓથી પર્યાપ્ત રીતે સજ્જ છે. આ ડિવિઝનમાં નવી ડિઝાઈન, ઉત્પાદન નવીનતાઓ, પ્રક્રિયા કાર્યક્ષમતા, ગુણવતા નિયંત્રણ અને આયાત અવેજી પ્રવૃતિના ક્ષેત્રો છે.
સેલ્સ અને માર્કેટિંગ : ગ્રાહક પર ફોક્સ્ડ કંપની તેમને સર્વિસ આપવા માટે તેમની જરૂરીયાતોને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર વિશે સભાન છે. કાર્યકારી યોજનાઓ બનાવતી વખતે આ ધ્યાનમાં લેવામાં આવે છે. સ્થાનિક અને નિકાસ માર્કેટિંગ પ્રવૃતિઓ ફરીદાબાદ ખાતે સંચાલિત છે. ભારતના ગ્રાહકોને સર્વિસ અપગ્રેડેશન માટે વધુ આદાનપ્રદાન દ્વારા ચેન્નઈ, હૈદરાબાદ અને વાપીમાં પ્રાદેશિક માર્કેટિંગ ઓફિસો પણ સ્થાપવામાં આવી છે.
ઉત્પાદનો : (૧) ફોર્મિંગ ફેબ્રિક્સ : કંપની ગ્રાહકોને આધુનિક ફોર્મિંગ ફેબ્રિક્સની વિશાળ શ્રેણી પેપર ઉત્પાદનના એપ્લિકેશન માટે ઓફર કરે છે. આ ફેબ્રિક્સ ખૂબ જ અદ્યતન લૂમ પર વણાયેલા છે. (૨) પ્રેસ ફેબ્રિક્સ : કંપની ડિઝાઈન અને ઉત્પાદન ક્ષમતાઓ તેને પલ્પ, પેપર અને પેપર બોર્ડ ઉદ્યોગની કોઈપણ વેટ એન્ડ એપ્લિકેશન જરૂરીયાતોને સફળતાપૂર્વક પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. જે શ્રેણીમાં સિંગલ લેયર, ડબલ લેયર, લેમિનેટેડ અને વેક્ટર છે. (૩) વિવિધ પ્રકારના પેપર મશીનોના દરેક પોઝિશન માટે રોલ કવર અને ડોકટર બ્લેડની સંપૂર્ણ શ્રેણી. (૪) ડ્રાયર ફેબ્રિક્સ : કંપની પલ્પ, પેપર અને બોર્ડ ઉદ્યોગ માટે ડ્રાયર ફેબ્રિક્સની સંપૂર્ણ શ્રેણી ડિઝાઈન અને ઉત્પાદન કરે છે. (૫) ફાઈબર સિમેન્ટ : આ ફેબ્રિકનો ઉપયોગ ફાઈબર સિમેન્ટ શીટ્સ અને પાઈપ બનાવવા માટે થાય છે. કંપની ફેલ્ટ ખાસ કરીને ફાઈબર સિમેન્ટ ઉત્પાદનમાં ઉપયોગ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :
ચોખ્ખી આવક રૂ.૧૯૦ કરોડ મેળવી ૨૧ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૩૯.૮૯ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯૦.૮૦ હાંસલ કરી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫ થી જૂન ૨૦૨૫ :
ચોખ્ખી આવક ૧૬.૨૯ ટકા વધીને રૂ.૫૨ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૪.૧૯ ટકા થકી ચોખ્ખો નફો ૨૩ ટકા વધીને રૂ.૧૨.૫૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૮.૬૬ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૧૩.૧૬ ટકા વધીને રૂ.૨૧૫ કરોડ મેળવી ૨૪ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી ચોખ્ખો નફો રૂ.૫૧.૭૫ કરોડ મેળવીને શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૧૮ અપેક્ષિત છે.
બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૮૭માં ૧:૨ શેર, વર્ષ ૧૯૯૧માં ૩:૫ શેર, વર્ષ ૧૯૯૪માં ૨:૫ શેર. આમ ત્રણ બોનસ ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૭૭.૬૬ ટકા ઈક્વિટી બોનસની ધરાવે છે.
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૫૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૬૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૭૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૮૦ ટકા, વર્ષ ૨૦૨૫માં ૧૦૦ ટકા
શેર હોલ્ડિંગ પેટર્ન : વોઈથ ગુ્રપ ઓફ કંપનીઝ જર્મનીની સબસીડિયરી VP Auslandsbeteiligungen GmbH દ્વારા ૭૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, રિટેલ રોકાણકારો પાસે ૧૭.૫૦ ટકા અને એચએનઆઈ તેમ જ અન્યો પાસે ૮.૪૬ ટકા છે.
શેર દીઠ આવક-ઈપીએસ : માર્ચ ૨૦૨૧ના રૂ.૬૧.૬૬, માર્ચ ૨૦૨૨ના રૂ.૬૬.૭૭, માર્ચ ૨૦૨૩ના રૂ.૭૨.૩૪, માર્ચ ૨૦૨૪ના રૂ.૮૨.૬૭, માર્ચ ૨૦૨૫ના રૂ.૯૦.૮૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૧૧૮
વેચાણ-આવક : નાણા વર્ષ ૨૦૨૧માં રૂ.૧૧૯ કરોડ, નાણા વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૫ કરોડ, નાણા વર્ષ ૨૦૨૩માં રૂ.૧૬૫ કરોડ, નાણા વર્ષ ૨૦૨૪માં રૂ.૧૮૦ કરોડ, નાણા વર્ષ ૨૦૨૫માં રૂ.૧૯૦ કરોડ, અપેક્ષિત નાણા વર્ષ ૨૦૨૬માં રૂ.૨૧૫ કરોડ
કરવેરા પૂર્વે નફો : માર્ચ ૨૦૨૧ના રૂ.૩૬ કરોડ, માર્ચ ૨૦૨૨ના રૂ.૪૦ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૩ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૯ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૪ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૬૯ કરોડ
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧માં રૂ.૫૯૦, માર્ચ ૨૦૨૨માં રૂ.૬૫૨, માર્ચ ૨૦૨૩માં રૂ.૭૧૭, માર્ચ ૨૦૨૪માં રૂ.૭૯૩, માર્ચ ૨૦૨૫માં રૂ.૮૭૭, અપેક્ષિત માર્ચ ૨૦૨૬માં રૂ.૯૯૫
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨)૧૦૦ ટકા ડેટ ફ્રી, ૭૪ ટકા જર્મનીની વોઈથ પેપર પ્રમોટેડ, ત્રણ બોનસ ઈસ્યુ થકી ૭૭.૬૬ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, વોઈથ પેપર ફેબ્રિક્સ લિમિટેડ, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ની અપેક્ષિત ઈપીએસ રૂ.૧૧૮ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૯૯૫ થકી મજબૂત બોનસ ઉમેદવાર શેર માત્ર બીએસઈ પર રૂ.૧૮૫૯ ભાવે ઉદ્યોગના સરેરાશ ૪૧ના પી/ઈ સામે ૧૫.૭૫ના પી/ઈએ ઉપલબ્ધ છે.