શેરબજારની અસ્થિરતા અને કડક નિયમોની અસર જોવાઈ
અમદાવાદ : ચાલુ કેલેન્ડર વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે નવી યોજનાઓ (NFO) શરૂ કરવાની ગતિનું પ્રમાણ ઊંચું રહ્યું છે. જોકે, નવી યોજનાઓમાંથી એકત્ર કરવામાં આવેલી રકમમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ફંડ યોજનાઓમાં તેજીને કારણે, નવી યોજનાઓ શરૂ કરવાની સંખ્યા પણ ગયા વર્ષે રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી તેમ છતાં બજારની અસ્થિરતા અને કડક નિયમોને કારણે તેમાં રોકાણની ગતિ ધીમી પડી છે.
૨૦૨૫ના પ્રથમ છ મહિનામાં નવી યોજનાઓ શરૂ કરવાની સંખ્યા લગભગ ૧૨૦ છે. વર્ષ ૨૦૨૪ના સમાન સમયગાળા દરમિયાન, ૯૧ નવી ઓફર કરવામાં આવી હતી. જાન્યુઆરી અને જૂન ૨૦૨૪ દરમિયાન નવી યોજનાઓ શરૂ કરવામાંથી એકત્ર કરવામાં આવેલી રકમ લગભગ ૫૦,૦૦૦ કરોડ રૂપિયા અને બીજા છ મહિનામાં ૬૯,૦૦૦ કરોડ રૂપિયા હતી. પરંતુ ૨૦૨૫ના પ્રથમ પાંચ મહિનામાં આ જ કલેક્શન ફક્ત ૧૭,૦૦૦ કરોડ રૂપિયા નોંધાયું છે.
વિશ્લેષકોના મતે, નવી યોજનાઓના કલેક્શનમાં ઘટાડો થવાનું કારણ મોટાભાગે શેરબજારની અસ્થિરતા અને નિયમનકારી કડકાઈને આભારી હોઈ શકે છે. ડિસેમ્બર ૨૦૨૪માં, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ખોટી માહિતી આપીને નવી યોજનાઓના વેચાણને રોકવા માટે નવા નિયમો જાહેર કર્યા હતા. નવી માર્ગદર્શિકા હેઠળ, વિતરકોને રોકાણકારોના નાણાં એક ફંડમાંથી બીજા ફંડમાં (નવી યોજનાઓ સહિત) સ્વિચ કરવાથી કોઈ નાણાકીય લાભ મળતો નથી.
ફંડો સમયસર યોજનાઓ શરૂ કરે અને શક્ય તેટલું ભંડોળ એકત્રિત કરે તે સુનિશ્ચિત કરવાના પ્રયાસરૂપે, સેબીએ મ્યુચ્યુઅલ ફંડોએ નવી યોજનાઓમાંથી મળેલી રકમનું ૩૦ દિવસની અંદર રોકાણ કરવું જોઈએ તે ફરજિયાત બનાવ્યું છે. આ નિયમો એપ્રિલ ૨૦૨૫માં અમલમાં આવ્યા અને મોટાભાગના ફંડોએ ફેરફારની જાહેરાત થયા પછી તરત જ તેનો અમલ શરૂ કર્યો હતો. આ ઉપરાંત, કેટલાક અન્ય કારણો પણ હતા. વર્ષ ૨૦૨૪માં મોટી નવી યોજનાઓના કલેક્શન મોટાભાગે ઇક્વિટી ફંડ્સમાંથી આવ્યા હતા, ખાસ કરીને લોકપ્રિય થીમ્સ અથવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરતા. આકર્ષક થીમનો અભાવ અને થીમેટિક ફંડ ઓફરિંગમાં તીવ્ર ઘટાડાએ પણ સંગ્રહ પર અસર કરી છે.
બજારના જાણકારોએ નવી યોજનાઓમાંથી એકત્ર કરવામાં આવેલી રકમમાં ઘટાડા માટે સિપ રોકાણની વધતી પસંદગી પણ જવાબદાર છે. તેમ જણાવતા ઉમેર્યું હતું કે રોકાણકારો આખરે સિપની તરફેણમાં ગયા છે. ફંડ ઉદ્યોગના માસિક સિપ ખાતાઓ રૂ. ૨૬,૦૦૦ કરોડને વટાવી ગયા છે. તે હજુ પણ વધી રહ્યા છે. તેથી નવા નાણાંનો મોટો ભાગ નવા ભંડોળ રોકાણ કરવાને બદલે સિપમાં જઈ રહ્યા છે.
નવી યોજનાઓમાં ભંડોળમાં પ્રવાહમાં ઘટાડા પાછળના અન્ય મુખ્ય કારણમાં, સક્રિય ઇક્વિટી ફંડ્સમાં પ્રવાહ મે મહિનામાં સતત પાંચમા મહિને ઘટીને ૧૩ મહિનાના નીચલા સ્તરે ઉતરી આવ્યો હતો. કુલ સિપ રોકાણમાં વધારો થયો હોવા છતાં આ સ્થિતિ ઉદભવી હતી.