Vadodara News : ડિજિટલ યુગમાં ઓનલાઇન ઠગાઈના સતત બનાવો વધી રહ્યા છે. પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવા છતાં ફ્રોડની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગુજરાતના વડોદરાના પોલીસકર્મીને શીફેરો કંપનીના એજન્ટના નામ આરોપીએ પ્રોડક્ટનું રીવ્યૂ આપીને પૈસા મળશે તેમ જણાવ્યું હતું. જેમાં પોલીસકર્મીને રિવ્યુ માટેના બે ટાસ્ક આપ્યા હતા, જે પૂર્ણ કરતાં ઠગાઈ કરનારા વ્યક્તિએ પોલીસકર્મીના બેંક એકાઉન્ટમાં રૂ.900 જમા કરાવ્યા હતા. આ પછી પોલીસકર્મીને ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ કરીને ટૂકડે-ટૂકડે 22.41 લાખ પડાવ્યા હતા.
વડોદરાના પ્રતાપ નગર પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા સંદીપભાઈ વાળાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ગત 1 ફેબ્રુઆરીએ મને શીફેરો કંપનીના એજન્ટના નામે મેસેજ આવ્યો હતો. જેમાં આરોપી કંપનીમાં ઇલેક્ટ્રોનિક્સ અને ગારમેન્ટનું ઓનલાઇન સેલિંગનું કામ કરે છે અને તેની પ્રોડક્ટનું રીવ્યૂ આપીને રૂપિયા મળી રહેશે તેમ જણાવ્યું હતું.’
પહેલા 900 રૂપિયા જમા કર્યા
પોલીસકર્મીએ જણાવ્યુ હતું કે, ‘એજન્ટે એક વેબસાઈટ લીંક મોકલતા મે તેમાં રજીસ્ટ્રેશન કર્યું હતું. ત્યારબાદ મને ઓનલાઇન શોપિંગની કપડા શૂઝ, પર્સ જેવી પ્રોડક્ટના રિવ્યુ માટેના બે ટાસ્ક આપવામાં આવ્યા હતા. જે પુરા કરતા મને એક ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સપોર્ટ ટીમ નામની લીંક મોકલી મને જોઈન્ટ કરવામાં આવ્યો હતો અને કયા એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા છે તેની માહિતી માંગી મારા બેંક એકાઉન્ટમાં 900 રૂપિયા જમા કરાવ્યા હતા.’
‘મારા એકાઉન્ટમાં રૂપિયા આવતા મને વિશ્વાસ બેઠો’
સંદીપભાઈએ કહ્યું હતું કે, ‘મારા એકાઉન્ટમાં રૂપિયા આવતા મને વિશ્વાસ બેઠો હતો. ત્યારબાદ બીજા ટાસ્ક માટે મારી પાસે કંપનીએ રૂ.10000 ડિપોઝિટ લઈ મારા ખાતામાં રૂ.15300 જમા કર્યા હતા. ત્રીજા દિવસે ફરી રૂ.10000 ડિપોઝિટ ભરાવી હતી અને પાંચ ઘણું કમિશન મળશે તેમ કહીને બીજા રૂ.20623 ભરાવ્યા હતા. જેની સામે મારે એકાઉન્ટમાં રૂ.35100 જમા થયા હતા.’
આ પણ વાંચો: રાજ્યના પોલીસ બેડામાં 49 PSIને PI તરીકે પ્રમોશન, DGP વિકાસ સહાયે કર્યો આદેશ
ત્યારબાદ કંપનીના કહેવાથી પોલીસકર્મીએ અલગ-અલગ વખતે ટ્રાન્જેક્શન કર્યા હતા. જેમાં પોલીસકર્મીએ કુલ રૂ22.41 લાખ ભર્યા હતા. જેમાં પ્રોફિટ સાથે તેમના એકાઉન્ટમાં રૂ.28.53 લાખ જોવા મળ્યા હતા. જેમાંથી રૂ. 51300નું જ ઉપડ્યા હતા. જ્યારે પોલીસકર્મી બાકીની રકમ ઉપાડવા જતા ક્રેડિટ સ્કોર 96 માંથી 100 કરવા માટે રૂ.8 લાખની એજન્ટે માંગણી કરી હતી. આંત પોલીસકર્મીને ફ્રોડ થયાની શંકા જતા સાયબર સેલને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી.