અમદાવાદ : સમાપ્ત થયેલા જૂનમાં ઈક્વિટી કેશ સેગમેન્ટ ટર્નઓવરમાં સતત ચોથા મહિને વધારો જોવા મળ્યો છે જ્યારે ડેરિવેટિવ્સ સેગમેન્ટના ટ્રેડિંગ વોલ્યુમમાં સતત બીજા મહિને ઘટાડો થયો છે.
જૂનમાં પણ ભારતીય બજારમાં સુધારો જળવાઈ રહ્યો હતો અને બેન્ચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ તથા નિફટી૫૦ નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જ્યાારે બીજી બાજુ નિયમનકારી પગલાંઓને પરિણામે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફએન્ડઓ) વેપાર પર અસર પડી છે.
દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ તથા એનએસઈ પર કેશ સેગમેન્ટમાં સરેરાશ દૈનિક ટર્નઓવર ગત મહિને વધી રૂપિયા ૧.૨૧ ટ્રિલિયન પહોંચી ગયું હતું જે સપ્ટેમ્બર, ૨૦૨૪ બાદ સૌથી ઊંચુ છે. ગયા વર્ષના સપ્ટેમ્બરમાં શેરબજારના ઈન્ડેકસ ઐતિહાસિક ઊંચી સપાટી સર કરી હતી.
દરમિયાન એફએન્ડઓનું સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ સાધારણ ઘટી રૂપિયા ૩૪૫.૮૫ ટ્રિલિયન રહ્યાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. નવેમ્બર, ૨૦૨૪થી એફન્ડઓ નિયમોમાં મોટા ફેરબદલ કરાયા છે, જેમાં સાપ્તાહિક એકસપાઈરીને એકસચેન્જ દીઠ માત્ર એક ઈન્ડેકસ સુધી જ મર્યાદિત બનાવાઈ છે અને લોટના કદમાં વધારો કરાયો છે જેને કારણે એકંદર ટર્નઓવર પર અસર થઈ છે.
આ ઉપરાંત બન્ને એકસચેન્જો માટે એકસપાઈરી દિવસોમાં સૂચિત ફેરબદલને કારણે પણ વોલ્યુમ્સમાં ઘટાડો થવાની શકયતા નકારાતી નથી.
સતત ત્રણ મહિના સુધી શેરબજારમાં ખરીદીથી લગભગ દૂર રહ્યા બાદ રિટેલ રોકાણકારો જૂન મહિનામાં ફરી સક્રીય બન્યા હતા. પ્રાપ્ત ડેટા પ્રમાણે જૂનમાં રિટેલ રોકાણકારોએ રોકાણ વધાર્યું છે.
આ અગાઉના ત્રણ મહિનામાં રિટેલ રોકાણકારોએ રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું રોકાણ પાછુ ખેંચી લીધું હતું. વૈશ્વિક અનિશ્ચિતતા તથા ટ્રમ્પના ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં મંદી ફેલાઈ ગઈ હતી.