મુંબઈ : ડોલરમાં મજબૂતાઈ અને સ્ટોકિસ્ટોની વેચવાલીને પગલે સોનાચાંદીમાં સપ્તાહ અંતે ઘટાડા તરફી વલણ રહ્યું હતું. અમેરિકામાં બૃહદઆર્થિક ડેટા અપેક્ષા કરતા મજબૂત આવતા ડોલર ઊંચકાયો હતો અને સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. બૃહદ આર્થિક ડેટા સારા રહેવાને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો નહીં થવાની ગણતરીએ વૈશ્વિક સોનાના ભાવ પર અસર જોવા મળી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદી નરમ રહ્યા હતા. ક્રુડ તેલમાં પણ સ્થિરતા જળવાઈ રહી હતી.
ઘરઆંગણે મુંબઈ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ જીએસટી વગર ઘટીને રૂપિયા ૯૭૦૨૧ રહ્યું હતું જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૬૬૩૩ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ સાધારણ ઘટી રૂપિયા ૧૦૭૫૮૦ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા બોલાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાલ રૂપિયા ૧૦૦,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૯૯૭૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૦૭૫૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ નીચામાં ૩૩૨૩.૬૯ ડોલર અને ઉપરમાં ૩૩૪૫ ડોલર થઈ મોડી સાંજે ૩૩૩૩ ડોલર મુકાતુ હતુ. ચાંદી પ્રતિ ઔંસ ૩૬.૬૨ ડોલર અને ૩૬.૯૫ ડોલર વચ્ચે અથડાઈને ૩૬.૯૦ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ નીચા મથાળેથી સુધરી ઔંસ દીઠ ૧૩૮૫ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૨૭ ડોલર મુકાતુ હતું.
અમેરિકામાં રોજગારના ડેટા અપેક્ષા કરતા સારા આવતા ડોલરમાં મજબૂતાઈ રહી હતી અને સોના પર દબાણ આવ્યું હતું. સારા ડેટાને કારણે વ્યાજ દરમાં ઘટાડાની શકયતા હાલમાં ઘટી ગઈ છે.
દરમિયાન ક્રુડ તેલના ભાવ પર દબાણ ચાલુ રહ્યુ હતું. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ બેરલ દીઠ ૬૬.૪૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૮.૨૧ ડોલર મુકાતુ હતુ. અમેરિકામાં સ્ટોક ઊંચો આવતા ભાવ પર દબાણ જોવાઈ રહ્યું છે. આ ઉપરાંત ઓપેક તથા સાથી દેશોની રવિવારે મળી રહેલી બેઠક પર પણ બજારની નજર રહેલી છે.