બ્રાઝિલ પર ૫૦ ટકા ટેરિફ ઝીંકતા ટ્રમ્પ : હવે ભારત પર કેટલી ટેરિફ લાગશે ?
મુંબઈ : વિશ્વને ફરી ટેરિફ આતંકથી પરેશાન કરી મૂકનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સતત અનેક દેશોને અનિશ્ચિતતાની ગર્તામાં ધકેલીને બ્રિક્સ દેશો પર વધુ ટેરિફની ચીમકી આપ્યા બાદ હવે બ્રાઝિલ પર ૫૦ ટકા ટેરિફ લાદવાનું જાહેર કરતાં અને હવે ભારત સાથે ટ્રેડ ડિલ મામલે મડાગાંઠ હાલ નહીં ઉકેલાતાં ભારતીય પ્રતિનિધિ મંડળ ફરી અમેરિકા મુલાકાતે જવાના અહેવાલ અને બ્રાઝિલની જેમ ભારત પર પણ ટ્રમ્પ આકરાં ટેરિફ લાદશે એવા નિર્દેશોએ આજે ફંડો, મહારથીઓ તેજીના વેપારથી દૂર રહી હળવા થયા હતા. આ સાથે અમેરિકી શેર બજાર નાસ્દાકમાં રેકોર્ડ તેજી છતાં આઈટી જાયન્ટ ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામ જાહેર થયા છતાં ફંડોએ આઈટી શેરોમાં વેચવાલી કરી હતી. ફાર્મા, બેંકિંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી રહી હતી. માત્ર મેટલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી હતી. સેન્સેક્સ ૩૪૫.૮૦ પોઈન્ટ ઘટીને ૮૩૧૯૦.૨૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૨૦.૮૫ પોઈન્ટ ઘટીને ૨૫૩૫૫.૨૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રુડના ભાવ ફરી વધવાની પણ બજારમાં નેગેટીવ અસર જોવાઈ હતી.
ટીસીએસના નફામાં અપેક્ષાથી ઓછી વૃદ્વિ : ઈન્ટેલેક્ટ, ક્વિક હિલ, કોફોર્જ, ઓરેકલ, માસ્ટેક, ઈન્ફોસીસ ઘટયા
અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ગઈકાલે તેજીનો નવો રેકોર્ડ સર્જાયા છતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વમાં અસ્થિરતા, જીઓપોલિટીકલ ટેન્શનને લઈ ક્લાયન્ટો દ્વારા ખર્ચમાં સાવચેતીના પરિણામે આજે આઈટી શેરોમાં એકંદર નરમાઈ રહી હતી. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ-ટીસીએસના આજે જાહેર થયેલા પ્રથમ ત્રિમાસિકના પરિણામમાં ચોખ્ખો નફો અપેક્ષાથી વધુ ૬ ટકા વધીને આવ્યા છતાં પડકારોને લઈ ફંડો નવી ખરીદીથી દૂર રહેતાં શેર રૂ.૨.૦૫ ઘટીને રૂ.૩૩૮૨.૩૦ રહ્યો હતો. ઈન્ટેલેક્ટ ડિઝાઈન રૂ.૩૫.૮૦ ઘટીને રૂ.૧૧૪૪.૯૫, ક્વિક હિલ ટેકનોલોજી રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૩૭૭.૦૫, કોફોર્જ રૂ.૪૩.૮૫ ઘટીને રૂ.૧૮૮૭, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૬૦.૭૫ ઘટીને રૂ.૮૭૭૭.૧૫, માસ્ટેક રૂ.૩૮.૬૫ ઘટીને રૂ.૨૫૩૮.૬૦, ઈન્ફોસીસ રૂ.૧૭.૧૫ ઘટીને રૂ.૧૬૧૬.૭૫, વિપ્રો રૂ.૨.૬૦ ઘટીને રૂ.૨૬૫.૧૦, ટેક મહિન્દ્રા રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૧૬૦૦.૧૫, ઈમુદ્રા રૂ.૭ ઘટીને રૂ.૭૬૭.૯૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૭૧.૦૪ પોઈન્ટ ઘટીને ૩૭૬૪૯.૨૪ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં મેટ્રોપોલિસ રૂ.૮૪ તૂટયો : ફાઈઝર રૂ.૧૭૦ ગબડયો : દિવીઝ, એસ્ટ્રાઝેનેકા ઘટયા
અમેરિકા ફાર્મા પર ૨૦૦ ટકા જેટલી ટેરિફ લાદશે એવા અહેવાલોની સતત નેગેટીવ અસરે ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની સતત સાવચેતીમાં વેચવાલી રહી હતી. મેટ્રોપોલિસ રૂ.૮૩.૭૫ તૂટીને રૂ.૧૯૭૪.૫૫, સસ્તા સુંદર રૂ.૮.૯૫ ગબડીને રૂ.૨૬૭.૩૫, ફાઈઝર રૂ.૧૭૦.૭૦ ઘટીને રૂ.૫૪૯૭.૩૫, દિવીઝ લેબ. રૂ.૧૫૬.૭૫ ઘટીને રૂ.૬૮૩૫, ગ્લેન્ડ ફાર્મા રૂ.૪૧.૨૦ ઘટીને રૂ.૧૮૩૭, એસ્ટ્રાઝેનેકા રૂ.૧૭૩.૩૦ ઘટીને રૂ.૯૧૨૨.૭૦, નાટકો ફાર્મા રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૯૯૯.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૨૪.૨૮ પોઈન્ટ ઘટીને ૪૪૨૫૬.૧૦ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં ફંડો વેચવાલ : ફેડરલ બેંક, બીઓબી, આઈડીએફસી બેંક, કેનફિન હોમ, એલઆઈસી ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો આજે વેચવાલ રહેતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૧૦.૨૨ પોઈન્ટ ઘટીને ૬૩૭૫૮.૯૩ બંધ રહ્યો હતો. ફેડરલ બેંક રૂ.૨.૫૦ ઘટીને રૂ.૨૧૧.૩૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૭૬.૬૪, બેંક ઓફ બરોડા રૂ.૨.૪૦ ઘટીને રૂ.૨૩૮.૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭.૫૫ ઘટીને રૂ.૧૪૨૪.૫૦, એચડીએફસી બેંક રૂ.૮.૫૫ ઘટીને રૂ.૨૦૦૨.૪૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૯.૪૫ ઘટીને રૂ.૨૨૧૮.૯૦ રહ્યા હતા. આ સિવાય ફાઈનાન્સ શેરોમાં કેનફિન હોમ રૂ.૨૨.૭૦ ઘટીને રૂ.૭૯૯.૬૦, ડીસીબી બેંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૪૧.૪૦, એલઆઈસી ઓફ ઈન્ડિયા રૂ.૧૯ ઘટીને રૂ.૯૨૬.૮૫, આરબીએલ બેંક રૂ.૫.૨૦ ઘટીને રૂ.૨૫૫.૩૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૩૪૧.૬૦ ઘટીને રૂ.૨૧,૬૮૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૧૨ પોઈન્ટ ઘટયો : ભારત ડાયનામિક્સ, ઝેનટેક, પાવર ઈન્ડિયા ઘટયા
કેપિટલ ગુડઝ શેરોમાં પણ એકંદર વેચવાલીના કારણે બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૧૨.૪૫ પોઈન્ટ ઘટીને ૭૧૮૩૫.૫૨ બંધ રહ્યો હતો. ભારત ડાયનામિક્સ રૂ.૯૨.૫૦ ઘટીને રૂ.૧૮૯૨.૫૫, ઝેનટેક રૂ.૫૯.૭૦ ઘટીને રૂ.૧૮૯૪.૭૫, પાવર ઈન્ડિયા રૂ.૩૯૯.૭૦ ઘટીને રૂ.૧૯,૪૬૯.૧૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૧.૨૦ ઘટીને રૂ.૪૯૧૫.૫૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૪.૩૦ ઘટીને રૂ.૪૧૩.૫૦, કોચીન શિપ રૂ.૧૯.૩૫ ઘટીને રૂ.૨૦૧૭.૬૦, મઝગાંવ ડોક રૂ.૩૧.૧૦ ઘટીને રૂ.૩૨૬૨.૪૫ રહ્યા હતા.
એક્ઝો નોબલમાં એક્ઝિટે એશીયન પેઈન્ટસ રૂ.૪૮ ઘટીને રૂ.૨૪૫૦ : પીજી ઈલેક્ટ્રો., વ્હર્લપુલ ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં નવી તેજીથી દૂર ફંડોએ ફ્રન્ટલાઈન શેરોમાં વેચવાલી કરી હતી. એશીયન પેઈન્ટસ દ્વારા તેના એક્ઝો નોબલમાં ૪.૪૫ ટકા હોલ્ડિંગને રૂ.૭૩૪ કરોડમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડને વેચવામાં આવતાં શેર આજે રૂ.૪૭.૯૫ ઘટીને રૂ.૨૪૫૦.૮૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૧૪.૪૦ ઘટીને રૂ.૭૭૩.૮૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૧૩૨૯ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૬૬.૫૮ પોઈન્ટ ઘટીને ૬૦૦૩૭.૧૩ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી : મારૂતી રૂ.૧૭૦, બોશ રૂ.૪૪૮ વધ્યા : ભારત ફોર્જ, એમઆરએફ ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની સિલેક્ટ્વિ ખરીદી ચાલુ રહી હતી. મારૂતી સુઝુકી રૂ.૧૭૦ વધીને રૂ.૧૨,૬૩૮.૬૦, બોશ રૂ.૪૪૭.૮૦ વધીને રૂ.૩૬,૨૫૮.૩૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૨૬૩૮.૧૫ રહ્યા હતા. જ્યારે ભારત ફોર્જ રૂ.૨૭.૫૦ ઘટીને રૂ.૧૨૩૩.૯૫, એમઆરએફ રૂ.૨૫૨૯.૩૦ ઘટીને રૂ.૧,૪૮,૩૫૦, બજાજ ઓટો રૂ.૮૨.૫૫ ઘટીને રૂ.૮૨૭૫.૪૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓનું વધતું વેચવાલીનું દબાણ : ૨૦૯૦ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ આજે હેમરિંગ વધ્યા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી કર્યા છતાં ઘણા શેરોમાં વેચવાલી ચાલુ રહેતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૪૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૨થી ઘટીને ૧૭૬૦ અને ઘટનારની સંખ્યા ૨૦૧૩થી વધીને ૨૦૯૦ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૨૫ લાખ કરોડ
શેરોમાં વ્યાપક વેચવાલીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૧૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૨૫ લાખ કરોડ રહ્યું હતું.