Vadodara Corporation : વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા બે વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય એ માટે પાલિકા તંત્ર થયું છે. વિશ્વામિત્રી નદીનું ચાર સેક્શનમાં વિભાજન કરીને 150 જેટલા જેસીબી મશીનથી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે. કુલ 19 લાખ ક્યુબિક માટી કાઢવાના લક્ષ્ય સામે હાલ 60 હજાર ક્યુબિક માટી કાઢવામાં આવી છે ત્યારે કારેલીબાગ મંગલ પાંડે રોડ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતીમાં કામગીરીના નિરીક્ષણ માટે મ્યુ. કમિ., પાલિકા મેયર, સ્થાયી અધ્યક્ષ સહિત સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓએ મુલાકાત લીધી હતી. શહેરમાં 24.7 કિમી વિસ્તારમાં રહેતી વિશ્વામિત્રી નદીનું ચાર સેક્શનમાં જુદી જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ કામગીરી આગામી 100 દિવસમાં પૂરી કરવાનું પાલીકા તંત્રનું લક્ષ્યાંક છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં ગત ઓગસ્ટ મહિનાના ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં બે વાર પૂર આવ્યા હતા. પરિણામે રાજ્ય સરકાર સહિત બાલિકા તંત્ર ગયું હતું. ત્યારબાદ રચાયેલી કમિટીમાં વિશ્વામિત્રી નદીમાં પાણીની વહન ક્ષમતા વધારવા સહિત વિવિધ સૂચનો થયા હતા. પરિણામે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ કરાઇ છે. વિશ્વામિત્રી નદી 24.7 કિલોમીટર વિસ્તારમાંથી વહી રહી છે. માણેજા સ્મશાનથી કોટનાથ મહાદેવ થઈને વિદ્યાકુંજ સ્કૂલથી ચિલ્ડ્રન હોસ્પિટલથી દેણાગામ સુધી વિશ્વામિત્રી નદીને ચાર સેક્શનમાં વહેંચી દેવાઈ છે.
જેમાં હાલ કારેલીબાગ મંગળ પાંડે બ્રિજ નીચે વિશ્વામિત્રી નદી પહોળી અને ઊંડી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારમાં કુલ મળીને 150 જેટલા જેસીબી મશીનથી યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. માટીની ચોરી ન થાય એ અંગે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે.
મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી કામગીરીમાં નદીના પાણીમાં મગર અને નુકસાન ન થાય એવી રીતે કામગીરી કરવાની ખાસ સુચના આપવામાં આવી છે મગરો માટે ખાસ વિવિધ જગ્યાએ પાંજરા પણ મુકાયા છે.
કારેલીબાગ ખાતે વિશ્વામિત્રી નદી પહોળી અને ઊંડી કરવાની કાર્યવાહીનું સ્થળ નિરીક્ષણ કરવા પાલિકા મ્યુ. કમિશનર દિલીપ રાણા, પાલિકા મેયર પિન્કીબેન સોની, સહિત ચેરમેન તથા પાલિકા અધિકારીઓ કામગીરીના નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા. જ્યાં પાલિકા કમિશનરે નદીની ચાલતી કામગીરીની વિડીયોગ્રાફી કરી હતી. જ્યારે પાલિકા મેયરે ચાલતી કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા હતા. કમિશનરે જણાવ્યું હતું કે વિશ્વામિત્રીની ચારે સેક્શનમાં 150 જેસીબી મશીનોથી કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હાલ કુલ 60 હજાર ક્યુબિક માટી બહાર કાઢવામાં આવી છે. કુલ મળીને 19 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાનો લક્ષ્યાંક છે. હાલમાં હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે મજૂરો ઉજવણી અર્થે વતન ગયા હોવાથી હવે પરત આવી ગયા બાદ કામગીરી વધુ તેજીથી થશે તેમ સ્થાયી અધ્યક્ષએ જણાવ્યું હતું.