છતમાંથી ખરતા પોપડાં અને ટપકતું પાણી મધ્યાહન ભોજન શેડમાં વિદ્યાર્થીઓને બેસાડવા પડે છે : કોમ્પ્યુટર લેબના સાધનો બગડવાની ભીતિ
સામતેર, : ઊના તાલુકાની નેસડા પ્રાથમિક શાળામાં જર્જરિત રૂમોને લીધે ભોજન શેડમાં બેસાડવા પડતા હોવાથી બાળકોના અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે. છતમાંથી ખરતા પોપડાં અને ટપકતા પાણીથી કોમ્પ્યુટર લેબના સાધનોને પણ નુકસાન થવાની ભીતિ છે.
નેસડા શાળામાં ધો. 1 થી 8માં 118 જેટલાં બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. આશરે 12 વર્ષ પહેલાં બે માળનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું. જે જર્જરિત બનતા છેલ્લા ત્રણ વર્ષથી છતમાંથી પોપડાં ખરવા અને પાણી ટપકી રહ્યા છે. જેથી પાંચ રૂમનો ઉપયોગ બંધ કરાયો છે. થોડા ઘણાં સારા બે રૂમ અને મધ્યાહન ભોજન શેડમાં 2 જ્ઞાાન સહાયક સહિત 6 શિક્ષકો બાળકોને જેમ તેમ ભણાવી રહ્યા છે. મધ્યાહન ભોજનનું રસોડું પણ અતિ જર્જરિત હોવાથી સંચાલકને ઘરેથી રસોઈ બનાવીને લાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શેડની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા હોવાને લીધે મચ્છરનો ઉપદ્રવ વધ્યો હોવાથી બાળકો બીમાર પડી શકે તેમ છે. જ્ઞાાનકુંજ યોજના હેઠળ સ્માર્ટ ટીવી કોમ્પ્યુટર લેબની સુવિધા મળી છે પણ પાણી પડવાને લીધે કિંમતી સાધનો બગડવાની પણ શકયતા છે. જર્જરિત રૂમોથી બાળકોના અભ્યાસ બગડી રહ્યો હોય તેને પાડીને નવા બનાવવામાં આવે તો જ આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ ગ્રામજનોનું કહેવું છે. બિલ્ડીંગના પાયામાં જ તિરાડો પડી ગઈ છે અને રીપેરીંગને બદલે તેને પાડી નવું જ બનાવવા માંગ કરાઈ છે