Kangana Ranaut Electricity Bill Controversy: હિમાચલ પ્રદેશ રાજ્ય વીજળી બોર્ડે કંગના રણૌતના નિવેદનને ભ્રામક ગણાવ્યું છે જેમાં તે કહી રહી છે કે તેના ઘરનું એક મહિનાનું વીજળી બિલ 1 લાખ રૂપિયા આવ્યું છે. બોર્ડે સ્પષ્ટતા કરી કે આ બિલ એક મહિનાનું છે એમ કહેવું સંપૂર્ણપણે ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે.
મંડીના સાંસદ કંગના રણૌતના મનાલી સ્થિત નિવાસસ્થાનના વીજળી બિલ સંબંધિત આરોપોનો જવાબ આપ્યો છે. વીજળી બોર્ડે જણાવ્યું હતું કે ઘરેલુ ગ્રાહક નંબર 100000838073 નું વીજળી કનેક્શન મનાલી વીજળી સબ-ડિવિઝનના સિમસા ગામમાં કંગના રણૌતના ઘરે નોંધાયેલું છે. તેમણે વધુમાં જણાવ્યું કે કંગનાના ઘરના બે મહિનાનું વીજળી બિલ 90,384 રૂપિયા છે.
કંગનાના ઘરનું બે મહિનાનું બાકી વીજળી બિલ 90,384 રૂપિયા
હિમાચલ પ્રદેશ વીજળી બોર્ડના એમડી સંદીપ કુમારે આ મામલે શિમલામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મંડી સાંસદ કંગના રણૌતના મનાલી સ્થિત ઘરના વીજળી બિલ સંબંધિત સમાચાર પર સ્પષ્ટતા કરી હતી. સંદીપ કુમારે જણાવ્યું કે, ‘કંગના રણૌતના નામે સિમાસા ગામમાં ઘરેલું વીજળી કનેક્શન છે. તેમના ઘરનું બે મહિનાનું બાકી વીજળી બિલ 90,384 રૂપિયા છે અને આ બિલ એક મહિનાનું છે એમ કહેવું ખોટું છે.’
સામાન્ય ઘરના ઇલેક્ટ્રિકલ લોડ કરતા 1500% વધુ
એમડી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, ‘કંગના રણૌતને 22 માર્ચે વીજળી બિલ જારી કરવામાં આવ્યું હતું. જોકે, આમાં 32,287 રૂપિયાની બાકી રકમ પણ સામેલ છે. એવામાં માર્ચ મહિનામાં બાકી લેણાં સહિત કુલ 90,384 રૂપિયાનું બિલ જારી કરવામાં આવ્યું છે.’
વીજળી બોર્ડના એમડી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, ‘તેમના ઘરનો કનેક્ટેડ લોડ 94.82 kW છે, જે સામાન્ય ઘરના ઇલેક્ટ્રિકલ લોડ કરતા 1500 ટકા વધુ છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં, સામાન્ય રીતે લોકોના ઘરોમાં 2 થી 5 વોટના કનેક્શન હોય છે.’
કંગનાએ ઓક્ટોબર મહિનાથી નથી ચૂકવ્યું બિલ
વીજળી વિભાગે કહ્યું કે કંગનાએ ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના વીજળીના બિલ સમયસર ચૂકવ્યા ન હતા. બાદમાં, કંગનાએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વીજળી બિલ પણ સમયસર ચૂકવ્યા ન હતા. બિલ મુજબ, ડિસેમ્બરમાં કંગનાના ઘરનો વીજળીનો વપરાશ 6,000 યુનિટ હતો અને બાકી રકમ 31,367 રૂપિયા હતી, જ્યારે ફેબ્રુઆરીમાં વીજળીનો વપરાશ 9,000 યુનિટ હતો અને બિલ 58,096 રૂપિયા હતું.
કંગના રણૌત દર વખતે સમયસર વીજળી બિલ નથી ચૂકવતા
એમડીએ જણાવ્યું હતું કે કંગના રણૌતના ઘરનું ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2024નું વીજળી બિલ 82,061 રૂપિયા હતું, જે 16 જાન્યુઆરી, 2025ના રોજ ચૂકવવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે કંગના રણૌત દર વખતે મોડા વીજળી બિલ ચૂકવે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વીજળીના બિલ 28 માર્ચ, 2025 ના રોજ ચૂકવવામાં આવ્યા હતા, જેમાં કુલ 14,000 યુનિટનો વપરાશ થયો હતો.
આ પણ વાંચો: બિહારમાં જેડીયુ નેતાની ગોળી મારી હત્યા, ધારાસભ્ય પન્ના લાલ પટેલના ભાણેજ હતા
મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
એમડી સંદીપ કુમારે જણાવ્યું હતું કે, ‘કંગના રણૌતના ઘરનો સરેરાશ માસિક વીજળીનો વપરાશ 5,000 થી 9,000 યુનિટ છે. કંગના વીજળી બિલ પર આપવામાં આવતી સબસિડી પણ લઈ રહ્યા છે અને ફેબ્રુઆરીના બિલમાં કંગનાને 700 રૂપિયાની સબસિડી મળી હતી.’ ઉલ્લેખનીય છે કે એમડીએ મીડિયા સમક્ષ વીજળી બિલની નકલ પણ રજૂ કરી હતી. સીએમ સુખવિંદર સિંહ સુખુએ પણ આ સમગ્ર મામલા પર પ્રતિક્રિયા આપતા તપાસના આદેશ આપ્યા છે.