India Slams US Panel’s Religious Freedom Report : અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભારત સરકારે આ અહેવાલ ફગાવ્યો છે. ભારતે USCIRFને કડક શબ્દોમાં જવાબ આપતાં કહ્યું છે કે, આ સંસ્થા પોતે ચિંતાનો વિષય છે. નોંધનીય છે કે USCIRFએ તો ભારતની ગુપ્તચર એજન્સી RAW પર પ્રતિબંધની પણ માંગ કરી હતી.
વિદેશ મંત્રાલયનો USCIRFને જવાબ
ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપતાં કહ્યું છે, કે ‘લોકશાહી અને સહિષ્ણુતાના પ્રતિક એવા ભારતની છબીને નબળી કરવાના પ્રયાસ સફળ નહીં થાય. USCIRF દ્વારા અલગ અલગ ઘટનાઓને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે તથા ભારતના બહુસાંસ્કૃતિક સમાજ પર શંકા વ્યક્ત કરવાના પ્રયાસ કરાય છે, જે જાણી જોઈને કરાતો એજન્ડા દર્શાવે છે. ખરેખર તો USCIRF જ ચિંતાનો વિષય છે.
શું હતું USCIRFના રિપોર્ટમાં?
USCIRFના 2025ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં સતત લઘુમતીઓ પર હુમલા અને ભેદભાવ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મુસ્લિમો વિરુદ્ધ ઘૃણાસ્પદ નિવેદનબાજી કરવામાં આવે છે. આટલું જ નહીં આ સંસ્થાએ દાવો કર્યો છે કે RAWએ ખાલિસ્તાનીઓની હત્યા કરાવી છે તેથી તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. અમેરિકાની પેનલે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને ભલામણ કરી છે કે ભારતને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવામાં આવે.