– મનપાએ આકસ્મિક રોડ ખોદી કામગીરી શરૂ કરી
– ભારે વાહનો પસાર થતા બાળકોની સુરક્ષા જોખમાઈ વાહન ચાલકો અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
નડિયાદ : નડિયાદ શહેરમાં માઈ મંદિરથી વિશ્વકર્મા રોડ પર ચાલી રહેલા ગટરલાઈનના કામને કારણે મુખ્ય રસ્તો બંધ કરવામાં આવતા, વાહનચાલકો દ્વારા વિશ્વકર્મા સોસાયટીના રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સોસાયટીમાં રહેતા બાળકોની સુરક્ષા જોખમાઈ છે અને વારંવાર નાના-મોટા અકસ્માતોની ભીતિ સેવાઈ રહી છે. આ મુદ્દે આજે રોષે ભરાયેલી સોસાયટીની મહિલાઓએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગટરલાઈનના કામકાજ માટે રસ્તો બંધ કરાયા બાદ નાના તેમજ મોટા ડમ્પર સહિતના ભારે વાહનો વિશ્વકર્મા સોસાયટીમાંથી પસાર થઈ રહ્યા છે. ભારે વાહનોની અવરજવરને કારણે સોસાયટીની ગટર લાઈનના ઢાંકણા તૂટી ગયા છે અને સ્ટ્રીટ લાઈનને પણ નુકસાન પહોંચ્યું છે. સોસાયટીના રહીશો દ્વારા વાહનચાલકોને ધીમે વાહન ચલાવવા માટે કહેવામાં આવતા, વાહનચાલકો અને રહીશો વચ્ચે ઘર્ષણ થયાની પણ ઘટના બની છે. વાહનચાલકો અપશબ્દો પણ બોલતા હોવાનો આરોપ સોસાયટીની મહીલાઓએ લગાવ્યો છે.
આજે સવારે સોસાયટીમાં રમતા બાળકને એક વાહનચાલકે અડફેટે લેતા મહિલાઓનો રોષ ભભૂકી ઉઠયો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા અથવા સોસાયટીમાંથી ભારે વાહનોની અવરજવર બંધ કરાવવાની માંગ કરી હતી.
દરમિયાન તત્કાલ રોડ બંધ કરવા માટે જે વ્યવસ્થા થઈ શકે તે કરવાની કોન્ટ્રાક્ટરે બાહેંધરી પણ આપી હતી. બીજીતરફ આ ગટરનું કામ કેટલા દિવસ ચાલશે, તે હજુ પણ નિશ્ચિત ન હોવાથી નાગરીકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગટરની કામગીરીમાં પાણીની લાઈન લિકેજ થતા સમસ્યા સર્જાઈ
આ તરફ જાહેર માર્ગ પર ગટરની કામગીરી કરવા માટે ખોદકામ કરાયું છે. જ્યાં પાણીની પાઈપ લિકેજ થઈ જતા હવે આસપાસના વિસ્તારોમાં રહીશોને પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઈ છે. તેમજ રહીશોમાં આ અંગે પણ મનપા તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કમિશનરનો સંપર્ક કરતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું
આ સબંધે વારંવાર નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી. એચ. સોલંકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમણે કોલ ઉપાડયા નહોતા.