Sabar Dairy Protest: વર્ષ 9500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સાબર ડેરીમાં નજીવા ભાવફેર ચૂકવવા મામલે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક યુવકનું શંકાસ્પદ મોત પણ થયું હતું. સાબર ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી છતાં પશુપાલકાનો વિરોધ યથાવત્ છે. ત્રીજા દિવસે પણ તમામ 16 ઝોનમાં આવેલી મંડળીઓ પૈકી 400 મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરવાનું ટાળી દીધું છે. જ્યારે સાબર ડેરીમાં દૂધની આવક ઘટતા હાલ પૂરતુ પાવડરનું ઉત્પાદન બંધ કર્યું છે.
પશુપાલકો ગરીબ પરિવારોને દૂધ મફત આપી રહ્યાં છે
સાબરકાંઠા જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકોએ દૂધ જાહેરમાં ઢોળવાના બદલે ગરીબ પરિવારોને જરૂરિયાત મુજબ 500 ગ્રામથી 2 લીટર સુધીનું દૂધ મફત આપી રહ્યાં છે. ખેડબ્રહ્મા વિભાગમાં મંડળીઓ બંધ રહેતા દૂધ ઉત્પાદકો હાલમાં ડેરીમાં ભરેલું દૂધ જરૂરિયાત મંદ લોકોને નિઃશુલ્ક આપી રહ્યાં છે. હિંમતનગર ઝોનની 60 જેટલી મંડળીઓના સભાસદોએ ડિરેક્ટર સાથે હિંમતનગર સહકારી જીનમાં બેઠક યોજી હતી અને જ્યાં સુધી સાબર ડેરી વધુ દૂધનો ભાવ વધારો ન આપે અને નિર્દોષ પશુપાલકોની પોલીસે ધરપકડ કરી છે. તેમને છોડી મૂકવામાં નહીં આવે ત્યાં સુધી દૂધ નહીં ભરવાનો નિર્ણય જણાવ્યો હતો. વિભાગના ડિરેક્ટરે ભાવ વધારા મુદ્દે સુખદ ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં કાર ચાલકે એક્ટિવા પર જતાં આધેડને અડફેટે લેતાં મોત, ડ્રાઇવર નશામાં હોવાનો સ્થાનિકોનો દાવો
સાબર ડેરીમાં 15 લાખ લીટર દૂધના સંપાદનમાં ઘટાડો થયો છે. જ્યારે એમ.ડી. દ્વારા ટેન્કરોની અવ્યવસ્થાના કારણે માત્ર 11 લાખ લીટર દૂધની આવક થઈ છે અને 15 લાખ લીટર દૂધ સંગ્રહીત છે તેમ જણાવી સાબરડેરીમાં દૂધની આવકમાં કોઈ ઘટાડો ન થયાનું જણાવ્યું છે. જ્યારે દૂધની આવક ઘટતાં પાઉડરનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કર્યાનું પણ જણાવ્યું હતું.
અરવલ્લી જિલ્લાની મોટાભાગની મંડળીઓમાં ત્રીજા દિવસે પણ દૂધ ઉત્પાદકોએ દૂધ ભરવાનું ટાળ્યું હતું. મોટી ઈસરોલમાં નનામી કાઢીને વિરોધ કરાયો હતો. આંબલિયા ગામે પણ ચેરમેનના છાજીયા લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. મેઘરજમાં બે ટેમ્પા દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. જો કે, બંને જિલ્લામાં સ્વયંભૂ પશુપાલકો વિરોધ કરતા ડેરીના સત્તાધિશો મૂઝવણમાં મૂકાયા છે.