Swachh Survekshan 2024: સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરત શહેરે સર્વોચ્ચ સ્થાન મેળવવા સાથે ભારત સરકારના સ્વચ્છ સવક્ષેણ 2024માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરીને નવો ઈતિહાસ રચ્યો છે. સ્વચ્છતા માટે 2023માં સુરત દેશનું નંબર વન શહેર બન્યું હતું ત્યારે બાદ 2024માં સુરતને સુપર લીગમાં સ્થાન મળ્યું હતું. આ સુપર સ્વચ્છ લીગમાં સુરતનું ઓલરાઉન્ડર પ્રદર્શન જોવા મળ્યું હતું અને ફરીથી સુરત દેશના સ્વચ્છ શહેર તરીકે જાહેર થયું છે. આ સિદ્ધિ માટે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સુરતને એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
ભારત સરકારે સ્વચ્છ સર્વેક્ષણ 2024ના દિશાનિર્દેશો મુજબ અન્ય શહેરોને પ્રેરણા આપવા માટે “સુપર સ્વચ્છ લીગ” નામની નવી શ્રેણી ની શરૂઆત કરી છે, જે પરંપરાગત રેન્કિંગ કરતાં વધુ મહત્વ ધરાવે છે. સુપર સ્વચ્છ લીગમાં તેવા શહેરોને સામેલ કરવામાં આવ્યા છે, જેઓએ છેલ્લા ત્રણ સર્વેક્ષણમાંથી ઓછામાં ઓછા બે વખત ટોચના ત્રણમાં સ્થાન મેળવ્યું હોય.આ શ્રેણીમાં દેશભરના કુલ 12 શહેરોને વસ્તી આધારિત પાંચ વર્ગોમાં વહેંચી પસંદ કરવામાં આવ્યા હતા. સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં સુરતએ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ ભારત મિશનના વિશેષ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના ઉત્તમ સ્વચ્છતા કાર્ય માટે રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુરત વતી એવોર્ડ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણીએ સ્વીકાર્યો હતો. ટીમ પાલિકા સુરત આવશે અને સાંજે સુરત ડુમસ રોડ પર વાય જંકશન ખાતે પાલિકા દ્વારા ઉજવણી કરવા માટે તૈયારી થઈ ગઈ છે.