– પ્રેમીએ પ્રેમ સંબંધ નહિં રાખે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી
– ખેડા ટાઉન પોલીસે મોટી કરોલી ખાતે રહેતા યુવક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નડિયાદ : ખેડા પંથકની સગીરાને પ્રેમી યુવકે પ્રેમ સંબંધ નહીં રાખે તો ફોટા વાયરલ કરી સગાઈ તોડાવી નાખવાની ધમકી આપી હતી. તેમજ યુવકને સમજાવવા છતા યુવકે ફોટા ડીલીટ કરવાની ના પાડતા સગીરાને લાગી આવતા સગીરાએ ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો, તેવા આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા પોલીસે મોટી કરોલીના યુવક સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા પંથકની ૧૭ વર્ષની સગીરાને ગામમાં રહેતો યુવક પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેમજ યુવક સગીરાને પ્રેમ સંબંધ નહીં રાખે તો અગાઉ પાડેલા ફોટા વાઈરલ કરવાની તેમજ તેણી સાથે સગપણ થયેલ યુવકને ફોટા મોકલી સગાઈ તોડાવી નાખવાની ધમકી આપતો હતો. જેથી સગીરાએ અને તેના પિતાએ યુવકને ફોટા ડીલીટ કરવાની વિનંતી કરી હતી. તેમ છતા યુવક હર્ષ મનુભાઈ રાવળ (રહે. મોટી કરોલી)એ ફોટા ડીલીટ કરવાની ના પાડી તમારાથી થાય તે કરી લેજો પણ ફોટા ડીલીટ નહીં કરું તેવી ધમકી આપી હતી. જેથી લાગી આવતા સગીરાએ પોતાના ઘરે ધાબાના હુક સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો, તેવા આક્ષેપ સાથે ફરિયાદ નોંધાતા ખેડા ટાઉન પોલીસે યુવક હર્ષ મનુભાઈ રાવળ (રહે. મોટી કરોલી) સામે દુષ્પ્રેરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.