Maharashtra Assembly : મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસુ સત્ર દરમિયાન મારમારીની ઘટના બની છે. ધારાસભ્યોએ વિધાસભાની લોબીમાં જ છુટ્ટાહાથની મારામારી કરી એકબીજાને લાતો-ફેંટો મારી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાસ્તવમાં શરદ પવારની એનસીપી પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભાજપ ધારાસભ્ય ગોપીચંદ પડલકર વચ્ચે કોઈક બાબતે વિવાદ ઊભો થયો હતો, જેના કારણે તેઓ બંને અને તેમના સમર્થકો મારામારી પર ઉતરી આવ્યા હતા.
વાળ ખેંચ્યા, મુક્કા માર્યા
વાયરલ વીડિયોમાં આવ્હાડ અને પડકલર એકબીજાના વાળ ખેંચતા અને મુક્કા મારતાં જોવા મળી રહ્યા છે. જ્યારે બંનેને મારમારી કરતાં અટકાવવા માટે અન્ય ધારાસભ્ય અને કાર્યકર્તાઓ વચ્ચે પડતાં દેખાઈ રહ્યા છે. મારામારીમાં કપડા પણ ફાટી ગયા છે. મારામારી કર્યા બાદ બંને જૂથના લોકો એકબીજા પર આક્ષેપ કરતાં પણ નજરે પડી રહ્યા છે. સોશિયલ મીડિયામાં મારામારીના આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ ઘટનાને શરમજનક ગણાવી રહ્યા છે.
‘સૌથી પહેલા પડલકરના સમર્થકોએ હુમલો કર્યો’
મળતા અહેવાલો મુજબ જિતેન્દ્ર આવ્હાડ (Jitendra Awhad) અને ગોપીચંદ પડલકર (Gopichand Padalkar) વચ્ચે અગાઉની અદાવતને લઈ વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે બુધવારે વિધાનસભામાં જ બંને વચ્ચે ઉગ્ર વાતચીત થઈ હતી, ત્યારબાદ બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. આવ્હાડે મારામારીની શરુઆત પહેલા ભાજપ તરફથી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘સૌથી પહેલા પડલકરના સમર્થકોએ હુમલો કર્યો હતો, તેઓએ મને અપશબ્દો કહ્યા અને જાનથી મારવાની ધમકી આપી. હવે વિધાનસભામાં ગુંડાઓ લવાઈ રહ્યા છે, જેના કારણે ધારાસભ્યોની સુરક્ષા ખતરામાં પડી ગઈ છે.’
આ પણ વાંચો : રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત, ચાર્જશીટ પણ દાખલ… જમીન સોદા કેસમાં EDની કાર્યવાહી