– સવારે 8 વાગ્યે ગોધરાની નવી બસ શરૂ કરવાની માંગ સાથે
– અડધો કલાકથી વધુ એસ ટીનો વાહન વ્યવહાર ખોરવાયો,પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડયો
બાલાસિનોર : બાલાસિનોરથી સવારે ૮ વાગ્યે ઉપડતી ગોધરાની બસ સેવાલિયા થઇ ચલાવતા દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ,નોકરીયાતો, ધંધાર્થીઓ સમયસર ગોધરા પહોંચી શકતા નથી.આ બસ સેવાલિયા બાયપાસ કરવા રજૂઆત કરવા છતાં તંત્રએ ધ્યાને નહીં લેતા આજે વિફરેલા બાલાસિનોરના મુસાફરોએ એસ ટી ડેપોના દરવાજે બેસી રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કરી દીધો હતો.
ચક્કાજામના કારણે અડધો કલાકથી વધુ એસ ટી વ્યવહાર ખોરવાયો હતો.પોલીસે સ્થળ પર જઇ સમજાવતા મામલો થાળે પડયો હતો.બાલાસિનોરથી સવારે ૮ વાગ્યાથી ગોધરાની નવી બસ શરૂ કરવાની માગ મુસાફરોએ કરી છે.ગોધરા વિભાગના બારિયા ડેપોની બસ સવારે ૫.૩૦ કલાકે બારિયાથી ઉપડે છે. આ બસ બાલાસિનોર થઇ ગોધરા જાય છે. જે બાલાસિનોરથી સવારે ૮ કલાકે ઉપડે અને સેવાલિયા બાયપાસ કરે તેવી માંગ લાંબા સમયથી મુસાફરો કરી રહ્યા છે.હાલ આ બસ સવારે ૮.૩૦ વાગ્યા આસપાસ આવે છે અને સેવાલિયા થઇ જતી હોવાથી બાલાસિનોરના મુસાફરો સમયસર ગોધરા પહોંચી શકતા નથી.બાલાસિનોરથી દરરોજ ૫૦થી ૬૦ મુસાફરો બસમાં ગોધરા સુધી અ૫ડાઉન કરે છે.આ બસમાં સેવાલિયાના માંડ ૩-૪ મુસાફરો હોય છે.તેને બીજી બસો પણ મળે છે.છતા આ બસ જ સેવાલિયા લઇ જવાના એસટી અધિકારીઓના હઠાગ્રહના કારણે બાલાસિનોરના મુસાફરો હેરાન થાય છે. અમદાવાદથી ઇન્ટરસિટી બસ આવે છે.પરંતુ તે ભરેલી હોવાથી જગ્યા મળતી નથી.રજૂઆતો કરીને થાકેલા મુસાફરોએ આજે બાલાસિનોર એસટી ડેપો પર દરવાજા આડે બેસી જઇ ચક્કાજામ કરી દેતા ટ્રાફિકજામ સર્જાયો હતો.આખરે પોલીસ કાફલાએ દોડી આવીને મંજૂરી લઇ આંદોલન કરવાનું સમજાવી મામલો થાળે પાડયો હતો.
ગત ફેબુ્રઆરીમાં આંદોલન કર્યા બાદ અઢી મહિના બસ સેવાલિયા બાયપાસ કરી હતી
ગત ફેબુ્રઆરી માસમાં પણ બાલાસિનોરના મુસાફરોએ આવી રીતે જ આંદોલન કર્યુ હતું.તે બાદ ૨૦ ફેબુ્રઆરીથી આ બસ સેવાલિયા બાયપાસ કરાઇ હતી. જે તા.૧ મેથી ફરી વખત જૂના રૂટ પર દોડાવવાનું શરૂ કરી દીધું છે.મુસાફરો દાવો કરી ને કહે છે કે, એસટીના અધિકારીઓ આ ૭૦ દિવસનો રિપોર્ટ કઢાવીને જોઇ શકે છે, એક પણ દિવસ ૪૦થી ઓછા મુસાફરો નહીં હોય, એટલે કે આ રૂટ પર પૂરતો ટ્રાફિક મળી રહે છે.
દોઢ કલાકમાં 14 બસ ગોધરા તરફ જાય છે
બાલાસિનોર એસટી ડેપો મેનેજર કૌશિક પટેલે આંદોલનને અયોગ્ય ગણાવતા જણાવ્યું છે કે, સવારે ૭ વાગ્યાથી બાલાસિનોર ડેપો પરથી ગોધરા તરફની બસ દર ૧૫ મિનિટે મળે છે. ૯.૩૦ વાગ્યા સુધીમાં કુલ ૧૪ બસ ગોધરા જાય છે.કોઇ સમયસર પહોંચી ન શકતા હોય તો વહેલી બસમાં મુસાફરી કરવી જોઇએ. મુસાફરો માટે પૂરતી બસ છે.