China On Donald Trump Tariff Threat: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 180 દેશોમાં રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ ચીનની પ્રતિક્રિયા પર વધુ 50 ટકા ટેરિફ લાદવાની ધમકીની ચીન પર કોઈ અસર થઈ નથી. ચીને સામી ધમકી આપી છે કે, તે પોતાના અધિકારો અને હિતોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે.
ચીને અમેરિકાના ટેરિફનો વળતો જવાબ આપતાં તેના પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો, જેનો વિરોધ કરતાં ટ્રમ્પે ચીનને ધમકી આપી હતી કે, તેઓ આઠ એપ્રિલ સુધી ટેરિફ પાછો ખેંચી લે, નહીં તો તેના પર વધુ 50 ટકા ટેરિફ લાદવામાં આવશે. જો કે, ચીન પોતાના નિર્ણયો પર અડગ છે.
ચીને ટ્રમ્પને આપ્યો જવાબ
ચીનના વાણિજ્ય મંત્રાલયે ટ્રમ્પને જવાબ આપ્યો છે કે, અમેરિકા દ્વારા ચીન પર કહેવાતા રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો નિર્ણય સંપૂર્ણપણે પાયાવિહોણો છે, અને આ તેની લોકો પર દબાણ કરવાની દાદાગીરી છે. અમે તેમના ટેરિફનો જવાબ મજબૂતાઈ સાથે આપીશું. અમે અમારા નિર્ણયો પર પીછેહટ કરીશું નહીં.
આ પણ વાંચોઃ ટ્રેડવૉર: ટ્રમ્પની ચીનને ધમકી- 24 કલાકમાં નિર્ણય લો, નહીંતર 50 ટકા ટેરિફ નાંખીશ
અમેરિકા બ્લેકમેઈલ કરી રહ્યું છે
ચીને વધુમાં જણાવ્યું કે, અમેરિકાની ચીન પર વધારાનો ટેરિફ લાદવાની ધમકી તેની સૌથી મોટી ભૂલ છે. તે અમેરિકાના બ્લેકમેઈલ કરવાના વલણને ઉઘાડું પાડે છે. ચીન ક્યારેય તેનો સ્વીકાર કરશે નહીં. જો અમેરિકા તેના માર્ગે ચાલતુ રહેશે તો ચીન પણ તેને અંત સુધી આકરી લડત આપશે.
ટ્રમ્પે આપી 50 ટકા ટેરિફની ધમકી
ટ્રમ્પે 4 એપ્રિલે ચીન સહિત 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જેમાં ચીન પર 34 ટકા ટેરિફ લાગુ કરતાં ચીને વળતો જવાબ આપતાં અમેરિકાના આયાત પર 34 ટકા ટેરિફ લાદ્યો હતો. ચીનની આ નીતિને ધ્યાનમાં લેતાં ટ્રમ્પે તેને ધમકી આપી હતી કે, જો તેઓ આઠ એપ્રિલ સુધી આ ટેરિફ દૂર નહીં કરે તો તેના પર વધુ 50 ટકા ટેરિફ લાદીશું. જેનો અમલ 9 એપ્રિલથી શરૂ થશે. વધુમાં ચીનના ટ્રેડવૉર તરફી વલણને જોતાં ટ્રમ્પે તેની સાથે વાટાઘાટો કરવાનો ઈનકાર કરી દીધો છે.