– અમેરિકાનું વેપાર પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે
– ટ્રમ્પ જો વળતો ટેરિફ કે રેસિપ્રોકલ ટેરિફ લગાડે તો ભારતની 66 અબજ ડોલરની નિકાસના 87 ટકા હિસ્સા પર અસર પડે
નવી દિલ્હી : રેસિપ્રોકલ ટેરિફને લઈને ભારત માટે રાત ઓછી અને વેશ ઝાઝા જેવી સ્થિતિ છે. ટ્રમ્પના અક્કડ વલણ ભારતના વિદેશ અને વેપાર મંત્રાલય બંનેને દોડતા કરી દીધા છે. જ્યારે નાણા મંત્રાલય તેની અસરના અભ્યાસમાં લાગી ગયું છે. બીજી એપ્રિલ પહેલા અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરીને ભારત રેસિપ્રોકલ ટેરિફની અસર બને તેટલી ઓછી કરવા માટે હાલમાં રીતસરના હવાતિયા મારી રહ્યું છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બીજી એપ્રિલના દિવસને આઝાદીનો દિવસ કહ્યો છે. ટ્રમ્પે આ મુદ્દે વારંવાર લીધેલા યુ-ટર્નના લીધે હવે તે શું કરશે તે કળવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. જો કે તેઓએ કેટલાક સંકેતો તો આપ્યા છે, જેમા તેઓએ પહેલા જણાવ્યું હતું કે તે કેટલાક દેશોને છૂટછાટ આપી શકે છે. જો કે આ છૂટછાટો કેટલી હોય તેમ તેમણે જણાવ્યું નથી. આ પહેલા તેમણે મેક્સિકો અને કેનેડાને માંગ્યા વગર એક મહિનાની છૂટ આપી હતી.
અમેરિકાની સાથે ગાઢ સંબંધ ધરાવતા દેશો અને મોટા ટ્રેડિંગ પાર્ટનર ટ્રમ્પના ટેરિફના પ્રહારથી બચવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ટ્રમ્પના દાવા મુજબ તેમના માટે આ મુક્તિ ઘણી મુશ્કેલ હશે.
ટ્રમ્પના ટેરિફ પ્રહારથી બચવા માટે ભારત વ્યાપારી સમજૂતીના પ્રથમ તબક્કાના ભાગરુપે ૨૩ અબજ ડોલરથી વધુની આયાત પર ટેરિફ કાપ મૂકવા તૈયાર થયું છે. ભારતના નાણા મંત્રાલયનું અનુમાન છે કે ટ્રમ્પ જો વળતો ટેરિફ કે રેસિપ્રોકલ ટેરિફ લગાડે તો ભારતની ૬૬ અબજ ડોલરની નિકાસના ૮૭ ટકા પર અસર પડે. અમેરિકાનું પ્રતિનિધિમંડળ હાલમાં ભારતની મુલાકાતે છે અને આગામી દિવસોમાં આ મુદ્દે નોંધપાત્ર પ્રગતિ થાય તેમ માનવામાં આવે છે.
આના પગલે સરકાર હાર્લે ડેવિડસન, બર્બન વ્હિસ્કી અને કેલિફોર્નિયન વાઇન પરનો ટેક્સ હજી પણ ઘટાડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ બંને દેશો કેટલીક પ્રોડક્ટ્સ પર વેરામાં હજી પણ ઘટાડો કરવા અને વેપાર સંબંધોને વેગ આપવા વાટાઘાટ કરી રહ્યા છે.
સરકારે હાર્લે ડેવિડસન પરની ડયુટી ૫૦ ટકાથી ઘટાડી ૪૦ ટકા કરી છે અને તેમા હજી પણ ઘટાડો કરવા વાટાઘાટ ચાલી રહી છે. આ સિવાય બર્બન વ્હિસ્કી પરની આયાત જકાત ૧૫૦ ટકથી ઘટાડી ૧૦૦ ટકા કરી હતી અને હવે તેમા વધુ ઘટાડો કરવામાં આવે તેવી સંભાવના છે. કેલિફોર્નિયન વાઇન પણ આનો જ હિસ્સો છે. જો કે વાટાઘાટ કંઈ આ ત્રણ પ્રોડક્ટ્સ પૂરતી જ સીમિત નહીં હોય. તેનો વ્યાપ ઘણો વધારે હશે.