– સ્ટૂડિયોમાં તોડફોડ, ધમકીઓનો કુનાલ કામરાએ વધુ એક કોમેડીથી જવાબ આપ્યો
– નાણામંત્રી નિર્મલા અંગે કુનાલ કામરાએ પેરોડી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વહેતો મુકતા વિવાદ વધ્યો
નવી દિલ્હી : ચર્ચાસ્પદ કોમેડિયન કુનાલ કામરાએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે બાદ હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ અંગે ટિકળ કરતો વીડિયો જાહેર કર્યો છે. જોકે યુટયુબ પર કોપીરાઇટના ભંગનો મામલો આગળ કરી ટી-સિરિઝ દ્વારા કુણાલ કામરાના કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અંગેના આ પેરોડી વિડિયોને બ્લોક કરવામાં આવતાં બુધવારે કુણાલ કામરાએ ટી-સિરિઝની ટીકા કરી હતી. કામરાએ બુધવારે તેના સ્ટેન્ડ અપ સ્પેશ્યલ નયા ભારત પર નાણાં પ્રધાન અને તેમની નીતિઓની ટીકા કરતો પેરોડી વિડિયો હવા હવાઇ રજૂ કર્યો હતો. મૂળ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના આ ગીતના કોપીરાઇટ ટી-સિરિઝ પાસે હોવાથી તેણે કામરાના વિડિયોને બ્લોક કર્યો હતો.
૩૬ વર્ષના કામરાએ એક્સ પર પોતાની ભડાશ કાઢતાં જણાવ્યું હતું કે કોપીરાઇટ નિયત્રણોને કારણે મારો નવો વિડિયો બ્લોક કરવામાં આવ્યો છે જેથી તે દર્શકો જોઇ શકશે નહી. આ વિડિયો દ્વારા કોઇ રેવન્યુ પણ મળશે નહીં. કામરાએ ટી-સિરિઝને જંબુરો બનવાનું બંધ કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે પેરોડી અને સેટાયર કાનુની રીતે વાજબી ઉપયોગ હેઠળ આવે છે. મેં ગીતના શબ્દો કે મૂળ ગીતનો ઉપયોગ કર્યો નથી. જો તમે આ વિડિયો હટાવી લેશો તો દરેક કવર સોંગ-ડાન્સ વિડિયોને પણ હટાવી શકાશે. સર્જકો આ બાબતની નોંધ લે. ભારતમાં દરેક ઇજારાશાહી માફિયાગીરીથી ઓછી નથી. તો મહેરબાની કરી આ સ્પેશિયલને હટાવી લેવામાંઆવે તે પહેલાં જોઇ કે ડાઉનલોડ કરી લેશો.
ટી-સિરિઝના પ્રવક્તાએ નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે કુણાલ કામરાએ આ ગીત કે સંગીતનો ઉપયોગ કરવા માટે કોઇ મંજૂરી લીધી ન હોઇ સંગીતરચનાના કોપીરાઇટનો ભંગ થતો હોઇ કન્ટેન્ટને બ્લોક કરવામાં આવ્યું છે. કામરાએ આ નવા દોઢ મિનિટના વિડિયોમાં કેન્દ્રના નાણાં પ્રધાન સામે વ્યંગ કરતાં જણાવ્યું છે કે આપ કા ટેકસ કા પૈસા હો રહા હૈ હવાહવાઇ, ઇન સડકોં કી બરબાદી કરને સરકાર હૈ આઇ, મેટ્રો હૈ ઇન કે મન મેં ખોદ કર રસ્તે લે અંગડાઇ. ટ્રાફિક બઢાને યે હ ૈ આઇ, બ્રિજિસ ગિરાને યે હૈ આઇ..કહતે હૈ ઇસકો તાનાશાહી. દેશમેં ઇતની મહેંગાઇ સરકાર કે સાથ હૈ આઇ, લોગો કી લુટને કમાઇ સાડી વાલી દીદી આઇ, સૈલરી ચુરાને યે હૈ આઇ, મિડિલ ક્લાસ કો દબાને યે હૈ આઇ, પોપકોર્ન ખિલાને યે હૈ આઇ, કહતે હૈ ઇનકો નિર્મલા તાઇ. કામરાએ નયા ભારત સ્ટેન્ડ અપ કોમેડીમાં પહેલાં એકનાથ શિંદેની ટીકા કરતાં તેમના પક્ષના કાર્યકરોએ સ્ટુડિયોમાં તોડફોડ કરતાં આ મામલે મોટો વિવાદ ઉભો થયો હતો. બીજા વિડિયોમાં હમ હોંગે કંગાલ ગીતની પેરોડી કરાઇ હતી એ પછી આ ત્રીજા વિડિયોમાં કામરાએ હવાહવાઇ ગીતની પેરોડી દ્વારા નાણાં પ્રધાન પર વ્યંગ કર્યો છે.