Post Office Small Savings Scheme: જો તમે પણ પોસ્ટ ઓફિસ મારફત પીપીએફ, સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ સહિત નાની બચત યોજનાઓમાં રોકાણ ધરાવો છો, તો તેનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જવાની સંભાવના છે. પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટે આ અંગે જણાવ્યું હતું કે, નાની બચત યોજના હેઠળના મેચ્યોર એકાઉન્ટ્સમાં કોઈ ગતિવિધિ જોવા ન મળી તો તેને ફ્રીઝ કરવામાં આવશે. અર્થાત મેચ્યોરિટીની તારીખથી ત્રણ વર્ષ બાદ તેમાં કોઈ વ્યાજ નહીં મળે અને એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે.
પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટે એકાઉન્ટ ફ્રિઝિંગને એક નિયમિત પ્રક્રિયા બનાવવાનો આદેશ જાહેર કર્યો છે. વર્ષમાં બે વખત આ પ્રકારના એકાઉન્ટની ઓળખ કરવામાં આવશે. જેથી નાની બચત યોજના ધારકોએ ધ્યાન રાખવુ પડશે કે, જો મેચ્યોરિટી બાદ ત્રણ વર્ષની અંદર એકાઉન્ટ બંધ ન કર્યું તો તેમના એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.
કોના એકાઉન્ટ બંધ થવાની શક્યતા
આદેશમાં જણાવ્યા પ્રમાણે, નાની બચત યોજનામાં ટાઈમ ડિપોઝિટ, મંથલી ઈન્કમ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, સિનિયર સીટિઝન સેવિંગ સ્કીમ, કિસાન વિકાસ પત્ર, રિકરિંગ ડિપોઝિટ અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સામેલ છે. આ તમામ સ્કીમની મેચ્યોરિટી તારીખથી ત્રણ વર્ષની અંદર એકાઉન્ટ રિન્યુઅલ કે ઉપાડની કામગીરી હાથ નહીં ધરાય તો એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે.
આ પણ વાંચોઃ હાથ પર ઈજા, પગમાં સોજો… ટ્રમ્પ એક બીમારીથી પીડાઈ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું
વર્ષમાં બે વખત ફ્રિઝિંગ પ્રક્રિયા હાથ ધરાશે
જો નાની બચત યોજનાનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો ઉપાડ, ડિપોઝિટ કે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકાશે નહીં. તે એકાઉન્ટમાં નાણાકીય વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જશે. 15 જુલાઈ, 2025ના રોજ જાહેર આદેશ મુજબ, ખાતેદારોના રોકાણ પર રિટર્નની સુરક્ષા વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફ્રિઝિંગની આ પ્રક્રિયા વર્ષમાં બે વખત થશે. ફ્રિઝિંગની આ પ્રક્રિયા દરવર્ષે 1 જુલાઈ અને 1 જાન્યુઆરીથી શરૂ થઈ 15 દિવસની અંદર પૂર્ણ કરાશે. અર્થાત દર વર્ષે 30 જૂન અને 31 ડિસેમ્બરના ત્રણ વર્ષની મેચ્યોરિટી પૂર્ણ કરનારા એકાઉન્ટ્સની ઓળખ થશે અને તેને ફ્રિઝ કરાશે.
આ રીતે એકાઉન્ટને અનફ્રિઝ કરાવી શકાશે
એકાઉન્ટ્સ સંબંધિત વિભાગને આવશ્યક દસ્તાવેજ જમા કરાવી પોતાના એકાઉન્ટને ફરીથી એક્ટિવ કે અનફ્રિઝ કરાવી શકો છો. જો મેચ્યોરિટીના ત્રણ વર્ષ બાદ તમારૂ એકાઉન્ટ ફ્રિઝ થાય છે, તો તમે કોઈપણ પોસ્ટ ઓફિસ જઈ એકાઉન્ટ ફ્રીઝ કરાવી શકો છો. જેના માટે એકાઉન્ટની પાસબુક કે સર્ટિફિકેટ, કેવાયસી ડોક્યુમેન્ટ માટે મોબાઈલ નંબર, પાન કે આધાર કાર્ડ તથા એકાઉન્ટ બંધ કરવાનું ફોર્મ (એસબી-7એ) રજૂ કરવુ પડશે.