Vadodara MGVCL Protest : મધ્ય ગુજરાત વીજ કંપનીએ વડોદરા શહેરના તમામ ડિવિઝનોમાં ફોલ્ટ રિપેરિંગનું આઉટસોર્સિંગ કરી નાંખ્યું છે. વીજ લાઈનો પર કોઈ સમસ્યા સર્જાય અને વીજ પુરવઠો બંધ થયો હોય તો આઉટ સોર્સિંગના કર્મચારીઓ વીજ લાઈનો પર કામગીરી કરે છે.
જોકે સરકારના અન્ય વિભાગોની જેમ હવે વીજ કંપનીમાં પણ આઉટસોર્સિંગ થતા જ કોન્ટ્રાકટર પરના કર્મચારીઓના પગારના ધાંધિયા શરુ થયા છે. સમયસર પગાર નહીં થવાના કારણે ગુરુવારે મધરાતે શહેરના ઈન્દ્રપુરી, કારેલીબાગ, અકોટા, મકરપુરા સહિતના ૧૪ સબ ડિવિઝનમાં કામ કરતા વિઝન પ્લસ સિક્યુરિટી એજન્સીના સેંકડો કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
હેલ્પર, ડ્રાઈવર, લાઈનમેન તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકીના એક ગૌરાંગ બારોટે કહ્યું હતું કે, અમે વિઝન પ્લસ સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓ તરીકે ફરજ બજાવીએ છે. છેલ્લા ચાર મહિનાથી પગારમાં વિલંબ થઈ રહ્યો છે. આ મહિને તો હજી પગાર થયો નથી. પગાર માટે ફોન કરીએ તો એજન્સીમાં કોઈ ફોન ઉપાડતું નથી. ફોન ઉપાડે છે તો કહે છે કે, ઉપરથી જ પગાર નથી થયો. બીજી તરફ પગારમાં વિલંબના કારણે અમારા હપ્તા ભરાતા નથી અને પેનલ્ટીના પૈસા ચૂકવવા પડે છે.
અન્ય એક કર્મચારીએ કહ્યું હતું કે, જ્યાં સુધી અમને પગાર નહીં મળે ત્યાં સુધી અમે કામ કરવાના નથી. અમને હજી જોઈનિંગ લેટર પણ અપાયા નથી. સેલેરી સ્લીપ આપવામાં પણ વિલંબ કરવામાં આવે છે.
વીજી કંપનીમાં ટેકનિકલ કામગીરીનું આઉટસોર્સિંગ થયે એક વર્ષનો સમય પણ થયો નથી અને કોન્ટ્રાક્ટ પરની એજન્સીની ફરિયાદો શરુ થઈ જતા વીજ કંપની અને સરકારના નિર્ણયો પર સવાલો ઉભા થયા છે.
– ગ્રાહકો સાથે વીજ કંપનીના ઝઘડા વધશે
ટેકનિકલ કર્મચારીઓના સંગઠને આપેલી ચેતવણી સત્તાધીશોએ કાને ના ધરી
ટેકનિકલ કામગીરીનું આઉટસોર્સિંગ કરવા સામે વીજ કંપનીના કર્મચારીઓએ પણ અગાઉ ઉહાપોહ કર્યો હતો. જોકે સરકારે અને વીજ કંપનીના અધિકારીઓએ કર્મચારીઓની એક પણ વાત કાને ધરી નહોતી. અખિલ ભારતીય વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળે ગત જુલાઈ મહિનામાં સત્તાધીશોને પત્ર લખીને કહ્યું હતું કે, ફોલ્ટ સેન્ટરની કામગીરીનુ ખાનગીકરણ થવાથી અનેક સવાલો ઉભા થશે. એજન્સીના કર્મચારીઓ આ કામના અનુભવી નથી. કોન્ટ્રાકટ પરના કર્મચારીઓને સુરક્ષાના સાધનો પણ આપવામાં આવતા નથી. ઉપરાંત વીજ કંપનીના કર્મચારીઓને તો કોન્ટ્રાકટ પરના કર્મચારીઓની સાથે રહેવાનું જ હોય છે. આઉટસોર્સિંગના કારણે કામગીરી પર અસર પડશે અને ગ્રાહકો સાથે વીજ કંપનીના ઝઘડા પણ વધશે.
– રાતની શિફટમાં મોટાભાગે કોન્ટ્રાકટ પરના કર્મચારીઓ
અન્ય સરકારી વિભાગોમાં પણ આઉટસોર્સિંગ એજન્સીઓના કર્મચારીઓને પગાર સમયસર નહીં અપાતો હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. જેના કારણે સરવાળે તો લોકોને જ હેરાન થવાનું આવે છે. સૂત્રોનું કહેવું છે કે, વીજ કંપનીમાં લાખો ગ્રાહકો છે. આઉટસોર્સિંગ એજન્સી અને તેના કર્મચારીઓ વચ્ચેની તકરારમાં સરવાળે તો લોકોને જ હેરાન થવાનો વારો આવશે. ગઈકાલે વીજળીક હડતાળ દરમિયાન વીજ પુરવઠો ખોરવાયો હોત તો કોણ કામગીરી કરત તે પણ સવાલ છે. કારણકે હવે રાતની શિફટમાં મોટાભાગે કોન્ટ્રાક્ટ પરના જ કર્મચારીઓને મૂકવામાં આવતા હોય છે.