I.N.D.I.A. Block Meeting on Monsoon Session on July 19: સંસદમાં ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. એવામાં ચોમાસુ સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે વિરોધ પક્ષોના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે શનિવાર, 19 જુલાઈના રોજ આ બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ), DMK, NCP (શરદ પવાર જૂથ), ડાબેરી પક્ષો, RJD, JMM અને IUML જેવા પક્ષો તેમાં ભાગ લેશે. પરંતુ TMC અને AAPએ ભાગ લેશે નહીં.
આ બેઠક અગાઉ દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાવાની હતી, પરંતુ કોંગ્રેસે વિપક્ષી નેતાઓ વ્યાપક પ્રમાણમાં ભાગ લે તેના માટે હવે આ બેઠક ઓનલાઈન કરી દેવામાં આવે છે. પરંતુ આ બેઠક પહેલા TMC અને AAP ભાગ ન લેતા ગઠબંધન તિરાડ પડી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે.
આ બેઠક અંગે કેસી વેણુગોપાલે આપી જાણકારી
આ બેઠક અંગે કોંગ્રેસના સંગઠન પ્રભારી સચિવ કેસી વેણુગોપાલે X પર પોસ્ટ કર્યું કે, ‘દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે શનિવાર, 19 જુલાઈ, 2025 ના રોજ સાંજે 7 વાગ્યે ભારતીય પક્ષોના નેતાઓની એક ઓનલાઈન બેઠક થશે.’
બેઠકમાં TMC શા માટે ભાગ નહીં લે?
TMCએ સત્તાવાર રીતે કહ્યું છે કે, 1993માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર દરમિયાન પોલીસ ગોળીબારમાં 13 લોકોના મોત થયા હતા. તેમની યાદમાં 21 જુલાઈએ કોલકાતામાં એક વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આથી નેતાઓ આ કાર્યક્રમની તૈયારીમાં વ્યસ્ત છે. પરંતુ પાર્ટીના આંતરિક સૂત્રો કહે છે કે તેનું વાસ્તવિક કારણ આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ છે. ટીએમસીના એક સાંસદે કહ્યું, ‘અમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે વારંવાર સ્ટેજ શેર કરી શકતા નથી, કારણ કે તેઓ બંગાળમાં અમારી વિરુદ્ધ છે. અમે રાષ્ટ્રીય મુદ્દાઓ પર I.N.D.I.A. ગઠબંધન સાથે છીએ, પરંતુ વારંવાર તેમની સાથે સંમત થવાથી અમારા કાર્યકરો મૂંઝવણમાં મુકાઈ શકે છે.’ ટીએમસી બંગાળમાં પોતાની અલગ ઓળખ જાળવી રાખવા માંગે છે, જેથી ચૂંટણીમાં કોઈ નુકસાન ન થાય.
આ પણ વાંચો: પરીક્ષામાં ટોઇલેટ જવાની મનાઈ, મમતા સરકારની હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલના નિર્ણયે વિવાદ છંછેડ્યો
અમે ગઠબંધનમાં નથી: AAP
આ ઉપરાંત જો આ બેઠકમાં AAPના ભાગ લેવાની વાત કરીએ તો, ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સાથે મળીને AAPએ કામ કર્યું હતું, પરંતુ હવે કદાચ AAPનો રસ્તો અલગ છે. AAPના આ વલણને ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવે છે, કારણ કે ગયા વર્ષે 5 જૂન, 2024ના રોજ યોજાયેલી ગઠબંધનની બેઠકમાં AAPનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ગઠબંધન સામે પડકારો દેખાય રહ્યા છે
ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં I.N.D.I.A. ગઠબંધને સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે પછી હરિયાણા જેવા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારથી ગઠબંધનની એકતા પર પ્રશ્નો ઉભા થયા હતા. ઘણા સાથી પક્ષોએ કોંગ્રેસના નેતૃત્વ પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. તેમ છતાં, આ પક્ષો સંસદની અંદર અને બહાર ઘણા મુદ્દાઓ પર એક થયા છે. પરંતુ બેઠકમાં TMC અને AAPની ગેરહાજરીમાં, સત્ર શરૂ થાય તે પહેલાં જ વિપક્ષી એકતા નબળી પડી રહી હોય તેવું લાગે છે.